બહેનના આપઘાત પ્રકરણમાં કેસ કબૂલ કરવાનું કહી ખોટા કેસમાં ફીટ કરાવવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરતો વીડિયો કર્યો વાયરલ
રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં બીજ નિમિત્તે દાદાના દર્શને ગયેલા યુવકને ટીઆરબી જવાનને બહેનના આપઘાત પ્રકરણનો કેસ કબુલવા ધાક ધમકી આપી ફડાકા ઝીકી દઈ બાઈક પડાવી લીધું હોવાનો આક્ષેપ કરતો યુવાનનો વિડિયો વાયરલ કરી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા મવડી ગામે રહેતો રાજેશ જયંતીભાઈ સાગઠીયા નામનો 27 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં મવડી ગામના સ્મશાનમાં હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં રાજેશ સાગઠીયા બે ભાઈ એક બહેનમાં વચેટ છે અને ગેરેજમાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતાં ટીઆરબી જવાન અનિલ સાગઠીયાની બહેનના આપઘાત પ્રકરણમાં રાજેશ સાગઠીયા વિરૂધ્ધ ફરિયાદ થઈ હતી. ગઈકાલે રાજેશ સાગઠીયા બીજ હોવાથી રણુજા મંદિરે દર્શન કરી મવડી ગામના સ્મશાનમાં મૈયાબાપાની સમાધીએ દર્શન કરવા ગયો હતો. તે દરમિયાન ટીઆરબી જવાન અનિલ સાગઠીયા અને દવે સાહેબ નામના બન્ને વ્યક્તિ ત્યાં ધસી આવ્યા હતાં અને અનિલ સાગઠીયાએ બહેનના આપઘાત પ્રકરણનો કેસ કબુલ કરવાનું કહી ફડાકા ઝીંકી દીધા હતાં અને દારૂના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી બાઈક પડાવી લીધું હોવાનું રાજેશ સાગઠીયાએ વિડિયો વાયરલ કરી ફિનાઈલ પી લીધું હતું. રાજેશ સાગઠીયાએ વાયરલ કરેલા વિડિયોમાં કરવામાં આવેલા આક્ષેપોના પગલે પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.
