જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી, મામલતદાર દ્વારા કવિયેટ દાખલ

85 હજાર ચોરસ મીટર જમીન પર 800 જેટલા ગેરકાયદેસર બાંધકામો, આગામી તા.29થી આધાર પુરાવાની ચકાસણી, મનાઈ હુકમ મળે નહીં તે માટે કાનૂની લડત રાજકોટના જંગલેશ્વર…

85 હજાર ચોરસ મીટર જમીન પર 800 જેટલા ગેરકાયદેસર બાંધકામો, આગામી તા.29થી આધાર પુરાવાની ચકાસણી, મનાઈ હુકમ મળે નહીં તે માટે કાનૂની લડત

રાજકોટના જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં 85 હજાર ચોરસ મીટર જમીન પર 800 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવતા લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. રેવન્યુ વિભાગ દ્વારા 800 જેટલા દબાણકારોને નોટિસ પણ આપી દેવામાં આવ્યા છે. અને આગામી 29 તારીખે પહેલી તારીખ સુધી તેઓને પુરાવા રજૂ કરવા માટેનો સમય પણ આપવામાં આવ્યો છે.

ત્યારે દબાણ કરો કોર્ટમાં જાય તે પહેલા પૂર્વ મામલતદાર દ્વારા રજીસ્ટર મારફત કોર્ટમાં કેવીએટ દાખલ કરી દેવામાં આવી છે અને તંત્ર દબાણના મૂળમાં જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેર પૂર્વ મામલતદાર એન.પી. અજમેરા દ્વારા આ મામલે અત્યંત સાવચેતીપૂર્વક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. દબાણકર્તાઓ આ નોટિસ વિરુદ્ધ કોર્ટમાં જઈને સ્ટે (મનાઈહુકમ) ન મેળવી લે તે માટે સરકાર પક્ષે પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટમાં ’જનરલ કેવીએટ’ (નંબર 328/2025) દાખલ કરી દેવામાં આવી છે.

આ કેવીએટનો અર્થ એ છે કે, જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ દબાણ હટાવવાની કામગીરી વિરુદ્ધ કોર્ટમાં જશે, તો કોર્ટ સરકારનો પક્ષ સાંભળ્યા વગર કોઈ પણ સ્ટે આપી શકશે નહીં. તંત્રએ જંગલેશ્વર વિસ્તારના સર્વે નંબર 259 પૈકી ટી.પી. સ્કીમ નંબર 6 ના એફ.પી. નંબર 159 ની આશરે 85,021 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવવા કમર કસી છે.

રેવન્યુ વિભાગ દ્વારા જે 800 દબાણકારોને નોટિસ આપવામાં આવી છે, તેઓને આગામી 29 તારીખથી પહેલી તારીખ સુધીમાં પોતાના માલિકીના કે રહેઠાણના આધારભૂત પુરાવા રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો છે. બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો દબાણકર્તાઓ સંતોષકારક પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તંત્ર દ્વારા ગમે ત્યારે બુલડોઝર ફેરવી દેવામાં આવશે.

આજી રિવરફ્રન્ટ યોજનાનો માર્ગ પણ ખુલ્લો થવાની આશા
રાજકોટમાં આજી નદીના કાંઠે ભવિષ્યમાં આકાર લેનારા રિવરફ્રન્ટ પ્રોજ્કેટને ધ્યાનમાં રાખીને નદી કાંઠા પર સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂૂ કરવામાંઆવી છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ વર્ષ 2011થી કાર્યરત છે. જેમાં સૌથી મહત્વનું અને પ્રથમ પગલું એનવાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવાનું કામ 17.02.2022 ના રોજ થયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે જરૂૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ માટે સમક્ષ તા. 20. 08. 2021થી સર્ટીફિકેટ મળવા માટે સબમિટ કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને કમિટી દ્વારા જરૂૂરી સુધારા વધારા કરવા જણાવેલ જે અન્વયે એજન્સી દ્વારા પૂર્તતા કરી કમિટીમાં રજુ કરાયું હતું. હવે દબાણો દૂર થતાં આજી રિવરફ્રન્ટ યોજનાનો માર્ગ પણ ખુલ્લો થવાની આશા જાગી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *