જેતપુરના પિઠડીયા ગામે આવેલા હરિ ઓમ આશ્રમ ખાતે આશ્રય લઈ રહેલા વૃદ્ધ અકસ્માતે ખાટલા પરથી નીચે પટકાયા હતા. વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરના પિઠડીયા ગામે આવેલા હરિ ઓમ આશ્રમ ખાતે આશ્રય લઈ રહેલા મનસુખભાઈ મોહનભાઈ નામના 80 વર્ષના વૃદ્ધ ત્રણ દિવસ પૂર્વે સવારના દસેક વાગ્યાના અરસામાં આશ્રમમાં હતા ત્યારે ખાટલા પરથી અકસ્માતે નીચે પટકાયા હતા. વૃદ્ધને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા ભારતીબેન આશિષભાઈ પરમાર નામની 40 વર્ષની પરિણીતાને બીમારી સબબ બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી જ્યાં ભારતીબેન પરમારનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
