આબોહવા સંકટ રોકવામાં નિષ્ફળતા બદલ જાપાન સરકાર પાસે જનતાએ માગ્યું વળતર

જાપાનમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાયદાકીય લડાઈની શરૂૂઆત થઈ છે. બદલાતી આબોહવા અને પર્યાવરણના રક્ષણ માટે સરકારની ’નિષ્ક્રિયતા’ સામે રોષે ભરાયેલા નાગરિકોએ હવે અદાલતના દ્વાર…

જાપાનમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાયદાકીય લડાઈની શરૂૂઆત થઈ છે. બદલાતી આબોહવા અને પર્યાવરણના રક્ષણ માટે સરકારની ’નિષ્ક્રિયતા’ સામે રોષે ભરાયેલા નાગરિકોએ હવે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. આશરે 450 જેટલા વાદીઓએ જાપાનની સરકાર સામે દાવો દાખલ કરીને આબોહવા સંકટને રોકવામાં નિષ્ફળતા બદલ વળતરની માંગ કરી છે.

અહેવાલો અનુસાર, ગુરુવારે દાખલ કરવામાં આવેલા આ મુકદ્દમામાં નાગરિકોએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. વાદીઓનું કહેવું છે કે સરકારની ઉદાસીનતાને કારણે તેમના ’શાંતિપૂર્ણ જીવન જીવવા’ અને ’સ્થિર વાતાવરણનો આનંદ માણવા’ના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સતત વધી રહેલા ગરમીના મોજા (Heatwaves)ને કારણે શ્રમિકોની કાર્યક્ષમતા ઘટી રહી છે અને વ્યવસાયોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

ચાલુ વર્ષે જાપાને 1898 પછીનો સૌથી ગરમ ઉનાળો અનુભવ્યો છે, જેના કારણે ખેતીના પાકને નુકસાન થયું છે અને અનેક લોકોના હીટસ્ટ્રોકથી મૃત્યુ થયા છે. ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર માસાકો ઇચિહારાના જણાવ્યા અનુસાર, જાપાનમાં અગાઉ પણ પાવર પ્લાન્ટ્સ સામે પર્યાવરણને લગતા કેસ થયા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોઈ સમૂહે આબોહવા પરિવર્તનને સંબોધવામાં નિષ્ફળ રહેવા બદલ સીધું જ સરકાર પાસે વળતર માંગ્યું હોય.

આ કેસ માત્ર જાપાન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની શકે છે કે કેવી રીતે જનતા હવે પર્યાવરણીય સુરક્ષા માટે સરકારોને જવાબદાર ઠેરવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *