રૈયા સ્મશાન પાછળ 1200 ચોરસ મીટરમાં ડોગ ટ્રેનિંગ સ્કૂલ, શીતલ પાર્ક ચોક પાસેથી ખજૂરનું કારખાનું, મવડીમાંથી ગેરકાયદે ઢોરવાળો દૂર કરાયો
જેમાં રૈયા સ્મશાન પાછળ 66 કેવી સબ સ્ટેશનની બાજુમાં 1200 ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદે ડોગ ટ્રેનિંગ સ્કૂલ ઉભી કરી દેવાઈ હતી. એટલું જ નહીં, આ જમીન અન્યને ભાડાપટ્ટા પર પણ આપી દેવામાં આવી હતી. શીતલ પાર્ક ચોક પાસે આવેલી 400 ચોરસ મીટર જમીન પર ખજૂરનું કારખાનું ખડકી દેવાયું હતું, જે આજે બુલડોઝર ફેરવી તોડી પડાયું હતું.
ઓમ રેસિડેન્સીની બાજુમાં ચાર માસ પહેલા જ જે જગ્યા ખુલ્લી કરાવાઈ હતી, ત્યાં ફરી એકવાર ભરવાડ દ્વારા ગેરકાયદે ઢોરવાળો બનાવી દેવાયો હતો. તંત્રએ આજે આ જગ્યા પણ ફરીથી દબાણમુક્ત કરાવી હતી.આ ઓપરેશન દરમિયાન જીઈબીની ટીમો પણ સક્રિય રહી હતી. ગેરકાયદે બાંધકામોમાં લેવામાં આવેલા વીજ કનેક્શનો વીજ તંત્ર દ્વારા સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ જેસીબીની મદદથી તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડી જમીન સપાટ કરી દેવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં સરકારી જમીનો પચાવી પાડનારા તત્વો વિરુદ્ધ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના આદેશથી તંત્રએ મેગા સર્જિકલ સ્ટ્રાઈક હાથ ધરી છે. આજે શહેરના રૈયા અને મવડી વિસ્તારમાં ત્રાટકેલા વહીવટી તંત્રએ અંદાજે 28 કરોડથી વધુની કિંમતની હજારો ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવી જમીનનો કબજો સરકાર હસ્તક લીધો છે.
મવડી વિસ્તારમાં કરોડોની કિંમતની સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ રાજકોટ શહેર દક્ષિણ મામલતદારની ટીમ દ્વારા દૂર કરી જમીનનો કબજો સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો. સરકારી ખરાબાના સર્વે નંબર 194 પૈકીની જમીનમાં ભલાભાઈ અમરાભાઇ દ્વારા અંદાજે 600 ચો.મી.માં પાકું બાંધકામ અને 800 ચો.મી.માં કાચા ઝૂંપડા મળી કુલ 1400 ચો.મી. જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર ન થતા આજે સરકારી મશીનરીની મદદથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશની સૂચના અને પ્રાંત અધિકારી ડો. સી. એમ. પરમારના માર્ગદર્શન હેઠળ આ મેગા ડિમોલિશન યોજાયું હતું. જેમાં રાજકોટ શહેર દક્ષિણ મામલતદારના વડપણ નીચે નાયબ મામલતદાર (મહેસૂલ), સર્કલ ઓફિસર, મહેસૂલી તલાટીઓ, પોલીસ બંદોબસ્ત, PGVCL અને રાજકોટ મહાનગરપાલિકાની જેસીબી સહિતની મશીનરીની મદદ લેવામાં આવી હતી.
