ડોર ટુ ડોર, સંમેલન અને ભોજન સમારોહ સહિતના આયોજન સાથે વકીલ મતદારોના મત એક કરવા દાવેદારોએ એડીચોટીનું જોર લગાવ્યું: કાલે મતદાન
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઘણા સમયથી ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ વચ્ચે જંગ જામી રહ્યો છે. જેના કારણે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બને છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ભાજપ સમર્પિત વકીલોના બે જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. આ પ્રતિષ્ઠાભરી ચૂંટણી લડવા પ્રમુખ પદ ઉપર ઉમેદવાર સહિત 16 હોદા ઉપર 41 ઉમેદવારો વચ્ચે જંગ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં જંપલાવનાર બંને પેનલ અને સ્વતંત્ર 41 ઉમેદવારો માટે આજે કતલની રાત છે. પ્રમુખ પદ સહિતના 16 હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર 41 ઉમેદવારોના ભાવિનો કાલે મતદારો ફેસલો કરશે. બાર એસોસીએશનની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી રોમાંચક માહોલ સર્જાયો છે.
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી આવતી કાલે જામનગર રોડ ઉપર આવેલ નવા કોર્ટ બિલ્ડિંગમાં પહેલા માળે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી યોજાશે. બાર એસોસીએશનની ચૂંટણીમાં જંગ જામ્યો હોય તેમ પ્રમુખ પદ પર 4 ઉમેદવાર સહિત વિવિધ 16 હોદા ઉપર સમરસ અને આરબીએ પેનલના ઉમેદવારો સહિત સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર કુલ 41 ઉમેદવારોએ ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભારી ચૂંટણીમાં ભાજપ સમર્પિત વકીલોની બન્ને પેનલ આમને સામને આવતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં સમરસ અને આરબીએ પેનલના પ્રમુખ પદ સહિતના 16 હોદા ઉપર બંને પેનલે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે અનેક દાવેદરોએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે.
પ્રમુખપદ માટે 4 ઉમેદવારો, ઉપપ્રમુખ પદમાં બે, અને સેક્રેટરીમાં ચાર, જોઇન્ટ સેક્રેટરીમાં 3, ટ્રેઝરર મહિલા અનામતમાં બે, લાઇબ્રેરી સેક્રેટરીમાં 3, કારોબારી મહિલા અનામતમાં 8 અને જનરલ કારોબારીમાં 15 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સમરસ પેનલના સુરેશ ફળદુ અને આરબીએ પેનલના સુમિત વોરા વચ્ચે જંગ મંડાયો છે. તેમજ પ્રમુખ પદ માટે અન્ય બે ઉમેદવારો પણ મેદાનમાં છે જેમાં નિરવકુમાર પંડ્યા અને હરિસિંહ વાઘેલાએ પણ જંગમાં ઝપલાવ્યું છે. ઉપપ્રમુખ માટે સમરસ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજા અને આરબીએ પેનલના બિમલ જાની વચ્ચે તેમજ સેક્રેટરીમા અનિલ ડાકા, મેહુલ મહેતા, નિલેશ પટેલ અને ગૌતમ રાજ્યગુરુ વચ્ચે સ્પર્ધા છે. જોઈન્ટ સેક્રેટરી માટે જ્યેન્દ્ર ગોંડલીયા, ધિમંત જોષી અને સંદીપ વેકરીયા વચ્ચે હરીફાઈ જામી છે. ટ્રેઝરર મહિલા અનામતમાં રેખાબેન લીંબાસીયા અને પ્રગતિબેન માકડીયા વચ્ચે સીધો જંગ જામશે, લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે અનિલ ડાકા, સાગર હાપાણી અને કેતન મંડ વચ્ચે સ્પર્ધા છે.
જ્યારે મહિલા અનામત જગ્યા માટે મેઘાવીબેન ગજ્જર, હિરલબેન જોષી, નિશાબેન લુણાગરિયા, અરુણાબેન ઉર્ફે અલકાબેન પંડ્યા, મીતાબેન રાવ, મીનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાધ્યાય અને વૈશાલી વિઠલાણી, ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કારોબારીની 7 જગ્યા માટે 15 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે.
પ્રમુખ પદ સહિત 16 હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર 41 ઉમેદવારોના ભાવિનો કાલે વકીલ મતદારો ફેંસલો કરશે. કાલે મતદાન પૂર્ણ થયા બાદ ગણતરીની કલાકોમાં જ એટલે કે સાંજ સુધીમાં બાર એસોસીએશનની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે આજની રાત કતલની રાત હોય તેમ કાવાદાવાના માહિર 41 વકીલ ઉમેદવારો મત માટે સોંગઠબાજી ગોઠવી રહ્યા છે. રાજકોટના 4250 જેવા વકીલ મતદારોના મત કબ્જે કરવા ઉમેદવારો તનતોડ મહેનત કરી મતદારોને રિઝવી રહ્યા છે.

