માતાએ કહ્યું મરી જા અને સગીરાએ 15મા માળે ચડી તમાસો કર્યો

એક કલાકની લોકો-ફાયર બ્રિગેડની જહેમત બાદ હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત , સુરતમાં ચકચારી ઘટના હાઈરાઈઝ બિલ્ડિંગનું પેન્ટહાઉસ, 17 વર્ષની જીદ્દી કિશોરી અને નીચે ફેલાયેલી ફાયરની જાળ……

એક કલાકની લોકો-ફાયર બ્રિગેડની જહેમત બાદ હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત , સુરતમાં ચકચારી ઘટના

હાઈરાઈઝ બિલ્ડિંગનું પેન્ટહાઉસ, 17 વર્ષની જીદ્દી કિશોરી અને નીચે ફેલાયેલી ફાયરની જાળ… શનિવારે સવારે સુરતનો અલથાણ વિસ્તાર જાણે કોઈ રોમાંચક ફિલ્મના ક્લાઈમેક્સમાં ફેરવાઈ ગયો હતો. સ્વિમ પેલેસ બિલ્ડિંગની 15મા માળની પાળી પર ઊભેલી કિશોરી જ્યારે ’હું કૂદી જઈશ, હું હમણાં જ કૂદી જઈશ’ની રડી રડીને ચીસો પાડતી હતી, ત્યારે નીચે ઉભેલા સેંકડો લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ કોઈ શૂટિંગ નહોતું, પણ હકીકતમાં મોત સામેની લડાઈ હતી.

મૂળ અયોધ્યાની અને અહીં ડોક્ટરના ઘરે ઘરકામ કરતી આ કિશોરીને તેની સગી જનેતાએ ફોન પર તતડાવી હતી. ઝઘડામાં માતાના મોઢેથી નીકળેલા વેણ ’તું મરી જા તો સારું’ની વાતથી દીકરીને માઠું લાગ્યું હતું. માતાના કઠોર શબ્દોને સાચા સાબિત કરવા 17 વર્ષની છોકરી બિલ્ડિંગની છત પર પહોંચી ગઈ હતી. જ્યારે કિશોરી પાળી પર ઉભી હતી, ત્યારે તેને પાછી વાળવા માટે બિલ્ડીંગના વડીલો હાથ જોડીને તેને વિનંતી કરતા રહ્યા હતા. એક દાદાએ લાડ લડાવતા કહ્યું, ’બેટા, તું તો રોજ આરતી કરે છે, તું મારી ડાહી દીકરી છે, એકવાર મારા પર ભરોસો રાખીને નીચે આવી જા.’ તો બીજી તરફ, તેના મકાનમાલિકે તેને તેને પરત વાળવા કહ્યું, ’જો તું નીચે આવીશ તો તારા લગ્નની બધી જવાબદારી અમારી, અમે તારા ધામધૂમથી લગ્ન કરાવીશું, પણ પ્લીઝ આવું ન કર.’

વેસુ ફાયર સ્ટેશનની ટીમ જ્યારે હાઈડ્રોલિક લિફ્ટ લઈને પહોંચી ત્યારે કિશોરી વધુ ઉશ્કેરાઈ હતી. તે સતત કહેતી હતી કે, જો કોઈ નજીક આવશે તો તે કૂદી જશે. ફાયર ઓફિસર કીર્તિ મોડ અને તેમની ટીમે સમયસૂચકતા વાપરી એક તરફ વાતોમાં તેને ઉલઝાવી રાખી અને બીજી તરફ હાઈડ્રોલિકના ઓપરેટરે તરાપ મારીને કિશોરીને પાછળથી પકડી લીધી. ફાયર વિભાગના અધિકારી કીર્તિ મોઢે જણાવ્યું હતું કે, અમને કોલ મળતા જ અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વેસુ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યું હતું. આ સાથે જ સેફ્ટી નેટ અને જમ્પિંગ કુશન પણ મંગાવી લેવાયા હતા. આજુબાજુની ક્ધસ્ટ્રક્શન સાઈટ પરથી પણ લોકો નેટ લઈને આવી પહોંચ્યા હતા. ફાયર વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ કિશોરીને સમજાવવા માટે બિલ્ડિંગના ઉપરના માળે પહોંચી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *