પ્રહલાદ પ્લોટમાં ભાડાની ઓરડીમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધનું મોત, આંખ ઉંદર ખાઇ ગયા કે કોઇ કાઢી ગયું?
શંકાસ્પદ કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા તબીબોની ભલામણ
શહેરના પ્રહલાદ પ્લોટમાં 88 વર્ષના વૃધ્ધના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. વૃધ્ધના મૃત્યુ બાદ તેની એક આંખ ભેદી રીતે ગાયબ હોય અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મૃતક વૃધ્ધ ભાડાની ઓરડીમાં ઘણા વર્ષોથી એકલવાયુ જીવન જીવતા હતા. પાડોશી સવારે જમવાનુ આપવા ગયા ત્યારે વૃધ્ધ ઓરડીમાં બેભાન પડેલા હોય. સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબો પણ આર્શ્ર્ચયમાં મુકાઇ ગયા હતા આંખ ઉંદર ખાઇ ગયા કે, કોઇ કાઢી ગયું? જેથી તબીબો દ્વારા શંકાસ્પદ કેસમાં મૃતદેહનુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પ્રહલાદ પ્લોટ શેરી નં.33માં ગોકુલ નિવાસ નામના મકાનમાં ભાડાની ઓરડીમાં રહેતા અમૃતલાલ કુરજીલાલ મારુ (ઉ.વ.88)નામના દરજી વૃધ્ધ આજે સવારે તેની ઓરડીમાં બેભાન હાલતમાં મળી આવતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
મૃતક વૃધ્ધ પાંચ ભાઇ ચાર બહેનમાં મોટા અને અગાઉ દરજી કામ કરતા હતા. તેમને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે જેમાંથી બંને દિકરાના અગાઉ મૃત્યુ નિપજ્યા હોય વૃધ્ધ છેલ્લા ઘણા વર્ષોથી ભાડાની ઓરડીમાં એકલવાયુ જીવન જીવતા હતા. પાડોશમાં રહેતા આરતીબેન નામના મહિલા દરરોજ વૃધ્ધને જમવાનુ આપી જતા હતા. આરતીબેનના જણાવ્યા મુજબ વૃધ્ધ હાલમાં બિમાર હોય તેઓ રવિવાર તેમને જમવાનુ આપવા ગયા હતા. ગઇકાલે તેમને પ્રસંગ હોવાથી આખો દિવસ બહાર ગયા હતા. આજે સવારે વૃધ્ધને જમવાનુ આપવા ગયા ત્યારે ડેલી અને ઓરડીનો દરવાજો અડધો ખુલ્લો હોય અને ઓરડીમાં વૃધ્ધ બેભાન હાલતમાં પડ્યા હતા.
મૃતક વૃધ્ધની ડાબી આંખ ગાયબ હોવાથી અનેક રહસ્યો સર્જાયા હતા. પાડોશી દ્વારા તેમના વિસ્તારમાં ઉંદરો હોવાથી આંખ ઉંદર ખાઇ ગયા હોવાની શંકા વ્યકત કરી હતી. જો કે, તબીબો દ્વારા આંખ ઉંદર ખાઇ ગયા કે, કોઇ કાઢી ગયુ તે અંગે હકીકત જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવા ભલામણ કરતા ફોરેન્સિક વિભાગ દ્વારા ફોરેન્સિક પીએમ કરવા તજવીજ હાથ ધરી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્યના આટા પાટા પરથી પડદો ઉચકાશે.
પાડોશીના જણાવ્યા મુજબ મૃતક જેમના મકાનમાં ભાડે રહેતા હતા તે મકાન માલિકના ઘરમાં અગાઉ બે વાર ચોરી થઇ હતી. ત્યારથી મકાન માલિક રાત્રે તેમના બીજા મકાને સુવા માટે જતા રહેતા હોય જેથી રાત્રે કોઇ બનાવ બની ગયાની પણ શંકા સેવાઇ રહી છે. આ અંગે એ ડિવિઝન પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉંદર આંખ ન ખાય, કોઇ કાઢી ગયાની ડોક્ટરને શંકા
પ્રહલાદ પ્લોટમાં 88 વર્ષના વૃધ્ધનું મોત નિપજ્યા બાદ તેમની એક આંખ ગાયબ હોય જે અંગે પાડોશીઓ દ્વારા આંખ ઉંદર ખાઇ ગયાની શંકા વ્યકત કરી હતી. જો કે, સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યુ હતુ કે, ઉંદર આંખ ન ખાઇ અને જો આંખ ખાઇ હોય તો આંખની આજુબાજુમાં પણ કોતરેલુ હોય આ બનાવમાં આંખ કોઇ કાઢી ગયાની શંકા વ્યકત કરવામાં આવી હતી. જેથી મૃતદેહનુ ફોરેન્સિક પીએમ કરાવવા ભલામણ કરતા ફોરેન્સિક વિભાગે પીએમ કરવા તજવીજ હાથ ધરી છે.
