બિલિયાળા પાસે ટ્રક અને રાજકોટ કોલેજ જતાં વિદ્યાર્થીઓની બસો પણ ફસાઇ હતી
રોજ અપડાઉન કરતા અને ઈમર્જન્સી વાહનચાલકોનો આક્ષેપ, બિલિયાળાથી રીબડા સુધી રોજ ટ્રાફિકજામ થાય છે
રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર બિલિયાળા ગામ નજીક આજે વહેલી સવારે એક ટ્રક ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરી દરમિયાન ટ્રક બ્રિજની દીવાલ સાથે અથડાઈને અટકી ગયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.
આ ઘટનાને કારણે બિલિયાળાથી ભુણાવા સુધીનો ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો હતો. સિક્સ લેન હાઇવે બનાવવાની કામગીરીને કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેવાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બની રહી છે.
વહેલી સવારે બનેલી આઘટનાને કારણે નોકરી-ધંધા અને અભ્યાસ માટે રાજકોટ જતા વાહનચાલકોની ધીરજ ખૂટી હતી. સમયસર પહોંચવાની ઉતાવળમાં ઘણા વાહનચાલકો રોંગસાઈડમાં વાહન ચલાવવા મજબૂર બન્યા હતા. જોકે, રોંગસાઈડમાં સિંગલ રોડ હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી હતી.
આ ટ્રાફિક જામમાં અનેક ખાનગી અને સરકારી ટ્રાવેલ્સ બસો, સેંકડો કારચાલકો અને ખાસ કરીને રાજકોટ કોલેજ જતી વિદ્યાર્થીઓની બસો પણ ફસાઈ હતી. તમામ વાહનો તેમના નિયમિત સમય કરતાં કલાકો મોડા પડ્યા હતા. આસપાસના ગામોના વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાઓ શોધવાની ફરજ પડીહતી.
ટ્રાફિક જામની આગંભીર સમસ્યામાં ફસાયેલા સ્થાનિક લોકોએ એક ટ્રક ચાલકની મદદથી ફસાયેલા ટ્રકને ખેંચીને બહાર કાઢ્યો હતો. ભાદરકા કોઠારા પોલીસ સ્ટેશનના મહેશભાઈ અને મોવિયાના યુવાનો રાજ ભાલાળા તથા મયંક ભાલાળા સહિતના સ્થાનિકોએ ટ્રાફિક ક્લિયર કરાવવામાં મદદ કરીહતી. જોકે, વાહનચાલકોનો આક્રોશ પોલીસ સામે નહીં, પરંતુ હાઇવે ઓથોરિટીના અણઘડ વહીવટ સામે હતો.
રોજિંદા અપડાઉન કરતા લોકો અને ઇમરજન્સી વાહનચાલકોનો આક્ષેપ છે કે આડેધડ ચાલતી કામગીરીને કારણે બિલિયાળાથી રિબડા સુધી રોજ ટ્રાફિક જામ થાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
અગાઉ જેતપુરથી ગોંડલ સુધી પણ આવીજ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા હતી. ત્યારે જિલ્લા કલેક્ટરે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી, જેના પરિણામે નવા બની રહેલા ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર રાજકોટ જિલ્લા કલેક્ટર રિબડાથી ભોજરાજપરા સુધીના આરોડની સમીક્ષા કરે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો અધિકારીઓ જાતે આ રોડ પર સમીક્ષા કરશે, તો જ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર કયા પ્રકારનું કામ કરી રહ્યા છે અને ટ્રાફિક જામ થવાના મુખ્ય કારણો શું છે તેનો ખ્યાલ આવશે. અગાઉ પણ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ત્યારે રિબડાથી ગોંડલ સુધીની આ વારંવાર થતી ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી અંત કોણ અને ક્યારે લાવશે તે જોવું રહ્યું.
