ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા અભેસંગ માધવસંગ જાડેજા નામના 50 વર્ષના આધેડ છેલ્લા કેટલાક સમયથી એકલવાયું જીવન જીવતા હોય, આ પરિસ્થિતિમાં તેમણે એકલતાથી કંટાળીને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ બહાદુરસંગ માધવસંગ જાડેજાએ અહીંની પોલીસને કરી છે.
આરંભડામાં પરિવારને મારી નાખવાની ધમકી
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા એક મહિલા થોડા દિવસો પૂર્વે તેમના ઘરે એકલા હતા. ત્યારે આ સ્થળે આવેલા કિશન, મેહુલ, ઉમેશ, કરણ તથા કાનો હાથીયા નામના પાંચ શખ્સોએ ઘરની બહાર ઉભા ઉભા ઉંચા સાદે બોલી અને ડેલી ખખડાવતા અહીં રહેલા મહિલા ડરી અને મકાનની છત ઉપર જતા રહ્યા હતા. આ સ્થળે આવેલા આરોપીઓએ મહિલાને તેના ભાઈ વિશે પૂછતા તે હાલ ઘરે નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ વિશે અપશબ્દો કહ્યા હતા.
આરોપી કિશનને લેવાની થતી રકમ બાબતે બોલાચાલી કરી, તેઓએ પુન: રાત્રિના સમયે પૈસા લેવા આવવાનું જણાવ્યું હતું. જો તેઓ રકમ તૈયાર નહીં રાખે તો ફરિયાદી મહિલાના ભાઈ તથા તેમના આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે મહિલાની ફરિયાદ પરથી તમામ પાંચ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ડી.એન. વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં દુકાનોમાં તસ્કરોનો હાથફેરો
દ્વારકામાં પ્લોટ વિસ્તારમાં રહેતા અને ઇસ્કોન ગેઈટ પાસે ગેરેજની દુકાન ધરાવતા રાજેશભાઈ વિઠ્ઠલદાસ વિઠલાણીની દુકાનમાં થોડા દિવસો પૂર્વે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. રાત્રિના સમયે દુકાનની પાછળનો દરવાજો તોડી અને અહીં રાખવામાં આવેલો રૂૂ. 2,720 નો વિવિધ પ્રકારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું. આટલું જ નહીં, તેમની નજીક આવેલી એક દુકાનમાં પણ તસ્કરોએ પ્રવેશી અને રૂૂ. 1,000 ના મુદ્દામાલની ચોરી કરી ગયાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
