ઝેરી જાનવર કરડતા યુવાનનું મોત, હોસ્પિ.માંથી લાશ લઇ પરિવાર માતાજીના મઢે પહોંચ્યો!

મૃતદેહ લઇ પાંચ કલાક રઝળ્યા, અંતે સવારે પી.એમ. માટે સિવિલમાં લાવ્યા શહેરની ભાગોળે કોઠારીયા ચોકડી નજીક વેલનાથ પરામાં રહેતા યુવાનને ઝેરી જનાવર કરડી જતા સિવિલ…

મૃતદેહ લઇ પાંચ કલાક રઝળ્યા, અંતે સવારે પી.એમ. માટે સિવિલમાં લાવ્યા

શહેરની ભાગોળે કોઠારીયા ચોકડી નજીક વેલનાથ પરામાં રહેતા યુવાનને ઝેરી જનાવર કરડી જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તીબીબે યુવાનને મરણ ગયાનું જાહેર કર્યા બાદ પરિવારજનો દ્વારા તબીબો અને સિક્યુરિટી સ્ટાફ સાથે માથાકૂટ કરી યુવાનની લાશ લઇ ભાગી ગયા હતા બાદમાં પરિવાર મૃતદેહને લઇ માતાજીના મઢે પહોંચ્યો હતો. આખી રાત દોડાદોડી કર્યા બાદ અંતે સવાર ફરી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ વેલનાથ સોસાયટીમાં જડેશ્ર્વર પાસે રહેતો અજય અશ્ર્વિનભાઇ રોજાસરા (ઉ.વ.25)નામનો યુવાન ગકાઇલે રાત્રે જડેશ્ર્વરમાં માતાજીના મઢે હતો. ત્યારે કોઇ ઝેરી જનાવર કરડી ગયું હતું. જોકે, તેણે ઉંદર કરડી ગયો હોવાનું માની ધ્યાન આપ્યુ ન હતું બાદમાં ઘરે ગયા બાદ ચા-પાણી પીતા તેને ઉલ્ટી થઇ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા રાત્રે બે વાગ્યાના અરસામા ફરજ પરના તબીબે અજય મરણ ગયાનું જાહેર કર્યુ હતું.

તબીબો દ્વારા મોત જાહેર કર્યા બાદ પરિવારજનોએ તબીબો અને ઇમરજન્સી વોર્ડમાં હાજર સિક્યુરીટી ગાર્ડ સાથે માથાકૂટ કરી બળજબરીથી અજયના મૃતદેહને લઇ પરિવાર ભાગી ગયો હતો. બાદમાં પરિવાર મૃતદેહ લઇ તેના વિસ્તારમાં આવેલા માતાજીના મઢે પહોંચ્યો હતો.

જો કે, ત્યા પણ કઇ ન થતા પરિવાર મૃતદેહને ગોંડલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. આખરે પાંચ કલાક સુધી રઝળયા બાદ અંતે સવારના સાત વાગ્યે ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને પીએમ માટે લઇ આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમા મૃતક અજય બેભાઇમાં નાનો અને તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હોવાનું જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *