પટેલનગરમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા શ્રમિક યુવકનું મોત: બનાવ હત્યામાં પલટયો

મૃતકના દાદાની ફેસબુક પોસ્ટ પર સ્માઇલની ઇમોજી મુકવા મુદ્દે આપેલા ઠપકાનો ખાર રાખી બેલડીએ છરીના ઘા ઝીંકી દીધા’તા શહેરમાં સોરઠીયા વાડી પાસે આવેલા પટેલનગરમાં રહેતા…

મૃતકના દાદાની ફેસબુક પોસ્ટ પર સ્માઇલની ઇમોજી મુકવા મુદ્દે આપેલા ઠપકાનો ખાર રાખી બેલડીએ છરીના ઘા ઝીંકી દીધા’તા

શહેરમાં સોરઠીયા વાડી પાસે આવેલા પટેલનગરમાં રહેતા શ્રમિક યુવાને મૃતક દાદાની ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી. જે પોસ્ટ પર સ્માઇલની ઇમોજી મુકવા મુદ્દે યુવાને શખ્સને સમજાવતા થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકે સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ બિહારના વતની અને હાલ પટેલનગરમાં રહેતા પ્રિન્સ અનિલભાઇ બીન નામનો 19 વર્ષનો શ્રમિક યુવાન પટેલનગરમાં આવેલા કારખાના પાસે મધરાત્રે રિક્ષામાં બેસી મોબાઈલ ફોન ઉપર વાત કરતો હતો. ત્યારે પટેલનગરમાં રહેતા બિહારી બિપીન કુમાર ગોડ અને બ્રિજેશ ગોડ નામના શખ્સે ઝઘડો કરી પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામા ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકે સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પ્રિન્સી ભીડે ત્રણ ભાઈમાં મોટો હતો.

તેના દાદા રૂૂપનારાયણબિનનુ ચાર માસ પુર્વે અવસાન થયુ હતુ. જેથી પ્રિન્સ બીને ફેસબુકમાં મૃતક દાદાની પોસ્ટ મૂકી હતી. જે પોસ્ટ પર હુમલાખોર શખ્સે સ્માઇલની ઇમોજી મૂકી કોમેન્ટ કરી હતી. જે મુદ્દે આપેલા ઠપકાનો ખાર રાખી હુમલો કર્યો હોવાની ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ભક્તિનગર પોલીસે બંને હુમલાખોર શખ્સ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *