ગીર ગઢડા તાલુકાના નીતલી ગામમાં એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. રામજી શેલડિયા નામના આધેડ પોતાની વાડીમાં મગફળીના પાકનું રખોપું કરવા ગયા હતા, ત્યારે આ ઘટના બની હતી. હત્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી હત્યારા પકડાય નહીં ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.
આ મામલે પોલીસે દોડધામ શરૂૂ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.ડીવાયએસપી સહિત જિલ્લાની વિવિધ બ્રાન્ચો હત્યારાના સગડ મેળવવા તપાસ કરી રહી છે. મૃતક રામજીભાઈના પુત્રએ હત્યા અંગે ફરિયાદ નોંધાવી છે. રામજીભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગીર ગઢડા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ પણ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા ડીવાયએસપી હોસ્પિટલ પહોંચ્યા હતા.
પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું કે હત્યારા પકડાયા બાદ જ તેઓ મૃતદેહ સ્વીકારશે, જેના કારણે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.મૃતકના પુત્રએ ડીવાયએસપી ચૌધરીને જણાવ્યું હતું કે, તેઓ સુરતથી નીતલી પહોંચી ગયા, પરંતુ જૂનાગઢથી ડોગ સ્ક્વોડ ન પહોંચી તે દુ:ખની વાત છે. પોલીસની સમજાવટ છતાં પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડતા પોલીસ તંત્ર દોડતું થયું છે.
