ગુજરાત મિરર, રાજકોટ,તા.11- ગોંડલ ચોકડી પાસે રિદ્ધિ સિદ્ધિના નાલા પાસે રહેતા પીન્ટુભાઇ રામધણી મંડળ(ઉ.વ.30) અને તેમના ભાઈ અભયને મકાનના ભાડા મામલે મકાન માલિક હિમાંશુભાઈએ માથાકૂટ કરી મારમારતા બંનેને ઇજા થઇ હતી અને પિન્ટુને હાથમાં ફ્રેકચર આવ્યું હતું. પિન્ટુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.10/9 ના સવારના મારો સગોભાઈ અભય રામધણી મંડળ કે જે આંબેડકર નગરમાં ભાડાના મકાનમાં રહે છે તેના ઘરે ગયો હોય અને અમે બંને ભાઈઓ તા.13/ 09 ના રોજ અમારા વતન બિહાર ખાતે જવાના હોય જેથી અમારો સામાન બાંધીને નીકળતા હતા.
એ સમયમાં મારા ભાઈનો મકાન માલિક હિમાંશુભાઈ આવીને કહેલ કે તમારું ભાડું બાકી છે તે આપતા જાવ. બાદમાં મારા ભાઈએ તેમને કહેલ કે ભાડું ગઈ તા.03/09 ના રોજ આપી દીધું છે. પરંતુ હિમાંશુભાઈ ઉશ્કેરાઈને રહીને લોખંડના પાઇપથી અમો બંને ભાઈઓને મારવા લાગ્યા હતા. ત્યારબાદ અમોને હાથમાં પાઇપ વાગતા અમે 108 માં ફોન કરેલ હતો બાદમાં 108 મારફતે અમો સિવિલ હોસ્પિટલના ઓર્થોમાં દાખલ થયા હતાં.આ મામલે માલવીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
