ટીપી વિભાગે પ્લોટની માપણી અને સર્વે કરવા ત્રણ એજન્સીને કામ આપવાનું ટેન્ડર કર્યા બાદ અચાનક ફાઇલ બંધ કરી દેવાતા ભારે ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી કાયમી ખાલી હોવાનુ દર વર્ષે જાણવા મળે છે. મનપાને થતી આવક માથી સ્ટાફનો પગાર સહિતનો ખર્ચ માંડ માંડ નિકળી રહ્યો છે. મોટા પ્રોજેકટ માટે સરકારી ગ્રાન્ટ ઉપર આધાર રાખવો પડતો હોય આવકના સ્ત્રોત વધારા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં મહાનગરપાલિકાના ખાલી પડેલા અનામત પ્લોટ લોન્ગલીઝથી ભાડે આપવા માટે નિર્ણય લેવામાં આવેલ અને 93 પ્લોટ ભાડે આપવામાં આવેતો મનપાને વર્ષે કરોડો રૂપિયાની આવક થઇ શકે તેમ હોય પ્લોટના સર્વે અને માપણી માટે ત્રણ એજન્સીને કામ આપવાનુ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ જેની પ્રક્રિયા 22 ઓગષ્ટના રોજ પૂર્ણ થઇ જવા છતાં આગળની કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી અને આ મુદે ટાઉનપ્લાનિંગ ઓફિસને પૂછવામાં આવતા તેમણે જણાવેલ હાલ આ પ્રોજેકટ હાથ ઉપર લેવાનો નથી. આથી છેલી ધડીએ પ્રોજેટક અભેરાઇ ઉપર ચડાવી દેવાની પ્રક્રિયાના કારણે શહેર ભરમાં ભારે ચર્ચા જાગી છે.
થોડા સમય પહેલા આવકના સ્ત્રોત ઉભા કરવા માટે અનામત પ્લોટ ભાડેથી આપવાનો પ્રોજેકટ તૈયાર કરવામા આવેલ અને આ અંગે ટાઉનપ્લાનિંગ ઓફિસરે જણાવેલ કે, શહેરના ઇસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં આવેલા અલગ-અલગ ટીપી સ્કીમના અનામત હેતુના મેઇન રોડને લાગુ હોય તેવા પ્લોટો ભાડે દઇ આવક ઊભી કરવા મહાનગર પાલિકાએ આયોજન કર્યું છે. જેના માટે 3 ડેપ્યુટી કમિશનર, 3 સિટી એન્જિનિયર, 1 હિસાબી અધિકારી અને મારા સહિત કુલ આઠ અધિકારીનો સમાવેશ આ કમિટીમાં કરાયો છે અને આ પ્લોટ કેવી રીતે ભાડે આપવા, તેનું ભાડું કેટલું રાખવું, તેના માટે ક્યાં પ્રકારના એગ્રીમેન્ટ કરવા, પ્લોટ ભાડે આપવા હરાજી કરવી કે અન્ય કોઇ પ્રક્રિયા, પ્લોટ ભાડે માટે ઓછામાં ઓછો કેટલો સમય અને વધુમાં વધુ કેટલો સમય રાખવાનો રહેશે સહિતના મુદ્દે આ બે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
તેમજ મહાનગરપાલિકાના અનામત હેતુના પ્લોટ ભાડે રાખનારે ક્યાં નિયમોનું પાલન કરવાનું રહેશે સહિતની બાબતો અંગે પણ નિયમો ઘડવામાં આવી રહ્યા છે. પ્રાથમિક વિચારણાના અંતે મહાનગરપાલિકા દ્વારા ઝોનવાઈઝ ઓનલાઈન હરાજી દ્વારા અનામત હેતુના પ્લોટ ભાડે આપવાનું આયોજન કરાયું છે. તેમજ પ્લોટના જંત્રીના ભાવના આધારે લોંગ લીઝ માટે ભાડું નક્કી કરાશે અને ઓછામાં ઓછા 3 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષ માટે આ પ્લોટો ભાડે અપાશે પરંતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ અચાનક આ પ્રોજેકટને એક બાજૂ ધકેલી દેવાતા ભારે ચર્ચા જાગી છે.
રાજકીય દબાણ કે અન્ય કારણ?
મહાનગરપાલિકાએ આવક વધારવા ખાલી પડેલા 93 અનામત પ્લોટ લોંન્ગ લીઝથી આપવા માટે પ્લોટની માપણી તથા સર્વે કરવા ત્રણ એજન્સીને કામ આપવાનો નિર્ણય લઇ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ જેની મુદ્ત પૂર્ણ થઇ જતા આ પ્રોજેકટ આગળ વધી શક્યો નથી અને હાલ મુલતવી રાખવામાં આવ્યો હોવાનુ જણવા મળેલ છે. જેની સામે સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અનેક પ્લોટ ઉપર રાજકીય મળતિયાઓ અને અમૂક માથાભારે શખ્સોએ કબજો જમાવી લીધો છે. આથી જો પ્લોટનો સર્વે કરવામાં આવે તો અનેકના નામો બહાર આવી શકે તેમ છે. તેવી જ રીતે પાછલા બારણેથી પ્લોટનુ ભાડુ વસુલાતુ હોય ત્યારે અનેક અધિકારીઓના તપેલા ચડી જવાની શક્યતા હોવાથી હાલ આ પ્રોજેકટ અભેરાઇ પર ચડાવી દેવામાં આવ્યો હતો. તેમ લાગી રહ્યું છે.
