ત્રીજા માળે લીફટ બંધ થઇ જતા યુવાને મોઢુ બહાર કાઢતા જ લીફટ ચાલુ થઇ અને અકસ્માત સર્જાયો
સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા ઘડીયાલનાં કારખાનાની માલ વાહક લીફટમા ગળાનો ભાગ ફસાઇ જતા યુવાનનુ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ . આ ઘટનામા પોલીસનાં સ્ટાફે કાગળો કર્યા હતા. મળતી વિગતો મુજબ સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલા ઝુપડામા રહેતા મહેશ બાબુ સોલંકી ગઇ તા. 23 નાં રોજ સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલા આકાશ વોચ ટાઇમ નામનાં કારખાનામા તેનો ભાઇ કામ કરતો હોય તેને મળવા માટે ગયો હતો બાદમા મહેશ પુઠાનો સામાન લેવા માટે માલ વાહક લીફટમા બેસીને ત્રીજા માળે તરફ જતો હતો ત્યારે લીફટ અચાનક બંધ થઇ ગઇ હતી અને આ સમયે મહેશે પોતાનાં મોઢાનો ભાગ બહાર કાઢતા લીફટ અચાનક ચાલુ થતા તેનુ ગળુ અને માથુ લીફટની વચ્ચે ફસાઇ ગયુ હતુ જેથી દેકારો મચી જતા કારખાનામા કામ કરતા અન્ય મજુરો દોડીને આવી પહોંચ્યા હતા.
ત્યારબાદ તેમને તુરંત લીફટમાથી નીચે ઉતારી જોતા મહેશને મોઢાનાં ભાગે અને ગળાનાં ભાગે ગંભીર ઇજાઓ થઇ હોય તેમને સૌ પ્રથમ ગોકુલ હોસ્પીટલ ત્યારબાદ વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પીટલમા ખસેડયો હતો જયા તેનુ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. આ બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકનાં એએસઆઇ હરસુરભાઇ ડાંગર અને પ્રશાંતસિંહ સહીતનો સ્ટાફ હોસ્પીટલે દોડી ગયો હતો. અને જરુરી કાગળોની કાર્યવાહી કરી હતી. મૃતક મહેશ બે ભાઇ અને બે બહેનમા નાનો હતો . તેનાં મોટા ભાઇ ઘડીયાળનાં કારખાનામા કામ કરતો હોય જેથી અવાર નવાર કારખાને બેસવા જતો હતો ત્યારે આ ઘટનાથી મૃતકનાં પરીવારમા શોક છવાઇ ગયો છે.
