આજીડેમ ચોકડીએ રવિવાર બજાર ભરાય છે તેની સામેના ભાગે આવેલા મોબાઇલના શો રૂૂમમાં વહેલી સવારે ત્રાટકેલા ચાર જેટલા તસ્કરો પાંચથી છ લાખના નવા અને ડેમોના મોબાઇલ ફોન ઉસેડી ભાગી જતાં પોલીસની ટીમો કામે લાગી છે. તસ્કરો નંબર વગરની સ્કોર્પિયો ગાડી લઇને ચોરી કરવા આવ્યા હતાં અને શટરના તાળા સેન્ટ્રલ લોક તોડી અંદર ઘુસી ચોરી કરી ગયા હતાં.
મળેલી માહિતી મુજબ આજીડેમ ચોકડી નજીક રવિવારી બજાર ભરાય છે તેની સામે ગુજરાત ટ્રાવેલ્સ અને બાલાજી રેસ્ટોરન્ટની બાજુમાં મેહુલ ટેલીકોમ નામનો શો રૂૂમ આવેલો છે. આ શો રૂૂમમાં બે ભાગીદાર આદીતભાઇ રમેશભાઈ પેઢડીયા અને ભૌતિકભાઇ લીંબાસીયા ભાગીદાર છે. આ બ્રાંચ ભૌતિકભાઇ લીંબાસીયા સંભાળે છે. સવારે તેઓ નિત્યક્રમ મુજબ દૂકાને આવવાની તૈયારીમાં હતાં ત્યારે જાણ થઇ હતી કે દૂકાનમાં ચોરી થઇ છે. આથી બંને ભાગીદારે દૂકાને પહોંચી તપાસ કરતાં તસ્કરો શટર તોડી અંદર ઘુસી નવા તેમજ ડેમોના મોબાઇલ ફોન આશરે પાંચથી છ લાખના ચોરી ગયાનું જણાયું હતું.
બનાવની જાણ આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂૂ થયો હતો. ક્રાઇમ બ્રાંચ અને એલસીબીની ટીમો પણ તપાસમાં સામેલ થઇ હતી. આદીતભાઇના કહેવા મુજબ ચારેક તસ્કરો વહેલી સવારે ચાર વાગ્યે આવ્યા હતાં. આ તસ્કરો સ્કોર્પિયો ગાડી લઇને આવ્યા હતાં અને તેમાં નંબર પ્લેટ નહોતી. એક તસ્કર ગાડીમાં બેઠો રહ્યો હતો. બાકીના ત્રણ વારાફરતી શટર પાસે આવી તાળા તોડતાં હતાં બાદમાં અંદર ઘુસી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન ચોરી ગયા હતાં. જેની કિંમત પાંચથી છ લાખ જેવી થાય છે.
આ તસ્કરો ચોરી કર્યા બાદ નંબર વગરની સ્કોર્પિયોમાં રાજકોટ અમદાવાદ તરફ ભાગ્યાની શક્યતાએ પોલીસ સીસીટીવી કેમેરાને આધારે પગેરૂૂ શોધવા તપાસ કરી રહી છે. ચોરીના આ બનાવને પગલે ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને પણ બોલાવવામાં આવ્યા હતાં.
