જામકંડોરણાના ચાવંડ ગામે રહેતાં પ્રૌઢા શાપરમાં રહેતાં માસીના અવસાન બાદ પતિના બાઈક પાછળ બેસી લૌકીકે જતાં હતાં ત્યારે શાપર પહોંચતાની સાથે પ્રૌઢા બાઈક પરથી ગબડી પડયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામકંડોરણાના ચાવંડ ગામે રહેતા કંચનભાઈ કરશનભાઈ અકબરી નામના 59 વર્ષના પ્રૌઢા પતિના બાઈક પાછળ બેસી શાપરમાં આવેલા કનૈયા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અકસ્માતે બાઈક પરથી નીચે પટકાયા હતાં. પ્રૌઢાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢાનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ શાપર પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢાના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક કંચનબેન અકબરીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. શાપરમાં રહેતાં કંચનબેનના માસીનું અવસાન થતાં પતિના બાઈક પાછળ બેસી લૌકીકે જતાં હતાં ત્યારે ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
