અનેક ઘરો-દુકાનોમાં પાણી ધુસ્યા, ખેતીમાં વ્યાપક નુકસાન, દરિયો પણ તોફાની બન્યો
રાજ્યના 82 તાલુકાઓમાં મેઘમહેર, વેરાવળ, કોડીનાર, ગીર ગઢડા, ઉના, તાલાલા, ડીસા, વાપી, નવસારીમાં 2થી 4 ઇંચ ખાબકયો
જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજાએ તરબતોળ કર્યા હતા. જેમાં ગીરસોમનાથ જિલ્લામાં સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હોય તેમ એક દિવસમાં 11॥ થી વધુ પાણી વરસી જતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો અને નિચાણવાળા વિસ્તારોમાં ઘરો તથા દુકાનોમાં ગોઠણ ડૂબ પાણી ભરાઇ ગયા હતા. અતીભારે વરસાદના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવતા અનેક ગામડાઓમાં પૂરનુ જોખમ સજાર્યુ છે. સોમાનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 2 ઇંચથી 4 ઇંચ વરસાદ વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 82 તાલુકાઓમાં મેઘ મહેર થયાના એહવાલ પ્રાપ્ત થયા છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં નોંધાયો હતો. સમયસર વરસાદના પગલે મુરજાતા મોલને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.
રાજ્યમાં ગઇકાલે 82 તાલુકાઓમાં 0॥ થી 11॥ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં 11॥ ઇંચ વરસાદ વરસતા સમગ્ર પંથકમાં સ્થળ ત્યા જળ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વેરાવળ 6 ઇંચ, ગીરગઢડા-કોડીનાર 5 ઇંચ, તાલાલા-ઉના 3 ઇંચ તથા ડીસા, વાપી, નવસારી તાલુકાઓમાં 2 ઇંચથી વધુ પાણી વરસી જતા નદીઓમાં ફરી વખત વરસાદી પાણીની નોંધપાત્ર આવક જોવા મળી હતી. ગઇકાલે ગીર સોમનાથ જિલ્લામાં રાત્રીના સમયથી જ કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થતા પંથકમાં 3 ઇંચથી 11॥ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. સમયસર વરસાદના પગલે લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી અને મૂરજાતા પાકને જીવનદાન મળતા ખેડૂતોએ રાહત શ્ર્વાસ લીધો હતો. તેવી જ રીતે ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે ગીરસોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યી હતા અને હજૂ પણ સૌરાષ્ટ્ર ઉપર વાદળોના ગંજ ખડકાયેલા હોય તેમજ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સોમનાથના દરિયામાં કરંટ જોવા મેળલ છે.
તેમજ તોફાની મોજાઓ ઉછળી રહ્યા છે. રાજ્યના ગીરસોમનાથ, વલસાડ, બનાસકાંઠા, નવસારી, જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, દાહોદ, સુરત, અરવલ્લી, પોરબંદર, મહેસાણા, કચ્છ, વડોદરા, અમદાવાદ, ડાંગ, ભાવનગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં 0॥થી 11॥ ઇંચ જેટલો વરસાદ 24 કલાક દરમિયાન વરસી ગયો હતો અને હજૂ પણ ભારે વરસાદ પડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
સુત્રાપાડા – 11॥ ઇંચ
વેરાવળ – 5॥ ઇંચ
કોડીનાર – 5 ઇંચ
ગીર ગઢડા – 5 ઇંચ
ઉબેરગાવ – 4॥। ઇંચ
ડીસા – 3 ઇંચ
ઉના – 3 ઇંચ
તાલાલા – 2॥। ઇંચ
વાપી – 2॥ ઇંચ
પારડી – 2 ઇંચ
માંગરોળ – 2 ઇંચ
વંથલી – 2 ઇંચ
જામનગર – 1॥ ઇંચ
વલસાડ – 1॥ ઇંચ
માળીયા હાટીના – 1॥ ઇંચ
જામકંડોરણા – 1॥ ઇંચ
