શહેરના આજી નદીના કાંઠે એસ.ઓ.જી.એ. દરોડો પાડી દેશી બનાવટના તમંચા અને બે જીવતા કાર્ટીસ સાથે હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલ રીઢા શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતા આ હથિયાર તેને પરીચીત મિત્રએ એકાદ વર્ષ પહેલા સાચવવા આપ્યાનું કબુલ્યું હતું. મળતી વિગતો મુજબ આજી નદીના કાંઠેથી એસ.ઓ.જી.એ. બાતમીના આધારે ગંજીવાડામાં ખોખર પ્રોવિઝન સ્ટોર પાસે રહેતા અમીન ઉર્ફે મહેબુબ અયુબભાઈ શાહમદાર (ઉ.વ.31)ની ધરપકડ કરી તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે કુલ રૂૂા 5,200નો મુદ્દામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી.
એસઓજીની તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી ડ્રાઈવીંગ કરે છે. તે અગાઉ હત્યાના પ્રયાસ અને માદક પદાર્થના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આ હથિયાર તેને પરીચીત શખ્સે એકાદ વર્ષ પહેલા સાચવવા આપ્યાનું રટણ કરે છે. આરોપીને હથિયાર કોણે સાચવવા આપ્યું તે દિશામાં પોલીસે તપાસ જારી રાખી છે. પકડાયેલ અમીનના રીમાન્ડ માટે તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સુચનાથી એસઓજીના પી.આઈ એસ.એમ. જાડેજા, પીએસઆઈ એસ.બી.ઘાસુરા સાથે ફીરોજભાઇ શેખ,અમિતકુમાર ટુંડીયા, કિશોરભાઇ ઘુઘલ,રવિરાજભાઇ ધગલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
