ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી: આશાસ્પદ પુત્રીના મોતથી પરિવાર પર આભ ફાટ્યું
જામનગરમાં ગોકુલધામ સોસાયટી શેરી નંબર -2 માં રહેતી અને પંચવટી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કેસરબેન ગોવિંદભાઈ વાટલીયા નામના 18 વર્ષની કોલેજીયન યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમા કપડાની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે, અને પરિવારમાં કરુણાંતિકા છવાઈ છે.
આ બનાવ અંગે મૃતક યુવતીના પિતા ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ વાટલીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડીવીઝનની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને વિદ્યાર્થીનીના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક વિદ્યાર્થી યુવતી એ તાજેતરમાં નીટની પરીક્ષા આપી હતી, અને તેનું રીઝલ્ટ આવ્યું હતું, જેમાં તેને સારા માર્ક્સ આવ્યા ન હતા, તેથી તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ખોટા વિચારો કરતી હતી. દરમિયાન ગઈકાલે તેણીએ ગળાફાંસો ખાઈ લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક યુવતી અભ્યાસમાં પણ ખૂબ જ તેજસ્વી હોવાનુ તેના પરિવારજનોએ જણાવ્યું હતુ અને ડોક્ટર બનવાની મહેચ્છા હોવાથી નીટની પરીક્ષા આપી હતી પરંતુ નીટમાં માર્કસ ઓછા આવતા નાસીપાસ થઇ આ પગલુ ભરી લીધાનું જણાવાય છે.
