જોઇન્ટિંગ અને ફિનીશીંગનું ચારેક દિવસનું કામ બાકી: ચાર મહિનામાં તૈયાર થયો
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. છેલ્લા કેટલાક મહિનાથી સિવિલ હોસ્પિટલનો મેઇન ગેઇટ બનાવવાની કામગીરી ચાલુ હતી. જેથી દર્દીઓને જામનગર રોડ તરફના ગેઇટમાંથી જવુ પડતુ હતુ જો કે, નવા ગેઇટની કામગીરી પૂર્ણતાના આરે છે અને આવતા સપ્તાહે 35 લાખના ખર્ચે બનેલો નવો ગેઇટ શરૂ થઇ જશે તેમ સિવિલના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
સિવિલ હોસ્પિટલના બંન્ને ગેઇટ અને હોસ્પિટલ કેમ્પસના રસ્તા બનાવવા માટે ટેન્ડર બહાર પાડી કામગીરી સોંપવામાં આવી હતી. જે અંતર્ગત અગાઉ જામનગર રોડ તરફનો ગેઇટ બાનવવામાં આવ્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલ ચોકથી ચૌધરી હાઇસ્કૂલ તરફ જતા રોડ પર એસબીઆઇ બેંકની સામે આવેલો સિવિલ હોસ્પિટલનો મેઇન ગેઇટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજે 4 મહિનાથી મેઇન ગેઇટની કામગીરી શરૂ હતી. જેના કારણે આ ગેઇટ પ્રવેશ માટે બંધ હોવાથી દર્દીઓને પ્રવેશમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલો જૂનો ગેઇટ ખોલવામાં આવ્યો હતો.
પરંતુ અહીથી માત્ર પગપાળા જ અંદર જઇ શકાતુ હતુ. વાહન અને 108 માટે જામનગર રોડ પરના ગેઇટથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. 35 લાખના ખર્ચે બનેલાના ગેઇટનું કામ પૂર્ણ થવા આવ્યું છે. હવે માત્ર જોઇન્ટિંગ અને ફિનીશીંગનું કામકાજ બાકી હોય જેમાં ચારેક દિવસ જેટલો સમય લાગી શકે છે. જેથી આવતા સપ્તાહઆ નવો ગેઇટ શરૂ થઇ જશે તેમ જાણવા મળ્યું છે. નવો ગેઇટ શરૂ થતા દર્દીઓ અને તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ માટે જામનગર રોડ પરના ગેઇટ પર ધક્કા ખાવા નહીં પડે જેથી રાહત મળશે.
