દેશના ઉત્તર ભારત અને પશ્ચિમી ભારતના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહતફ મળવાના સંકેતો છે. કેન્દ્રીય હવામાન વિભાગએ આગામી પાંચ દિવસને લઈને દેશમાં ચોમાસાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.
IMD અનુસાર, આગામી બે દિવસ દરમિયાન છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક સ્થળોએ, અને આ પછીના 3 દિવસ એટલે કે સોમવારથી બુધવાર દરમિયાન ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદી માહોલ ઘણા દિવસોથી યથાવત છે.
હવામાન વિભાગ મુજબ, આગામી જૂન 15 દરમિયાન પશ્ચિમી હિમાચલ ક્ષેત્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારત માં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે અને આ પછી વાતાવરણ સામાન્ય થવાની સંભાવના છે.
જ્યારે જૂન 14 થી 17 સુધીમાં દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના કોંકણ અને ગોવાના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન ચોમાસુ સક્રિય તબક્કામાં રહેવાની શક્યતા છે.
દક્ષિણ દ્વીપકલ્પીય ભારતની વાત કરીએ તો, આગામી 7 દિવસ દરમિયાન કેરળ, માહે, કર્ણાટક અને લક્ષદ્વીપના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં જૂન 13 થી 17 સુધીમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટકના કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે વાવાઝોડું, વીજળી અને 40 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે આગામી જૂન 18 દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં જૂન 15 ની આગાહી મુજબ, રાજ્યમાં કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ અને આ સિવાયના રાજ્યના 32 જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
