કેશોદના અગતરાય પાસે ડમ્પર અડફેટે ઘવાયેલા સ્કૂટર સવાર મહિલાએ દમ તોડયો
વાંકાનેર તાલુકાનાં તીથવા ગામે સીડી પરથી અકસ્માતે પટકાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. જયા યુવકનુ સારવારમા મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી. વાંકાનેરનાં તીથવા ગામે રહેતા પ્રવિણભાઇ દેવજીભાઇ મોરારીયા નામનો 3પ વર્ષનો યુવાન પોતાનાં ઘરે હતો. ત્યારે સંધ્યા ટાણે અકસ્માતે સીડી પરથી નીચે પટકાયો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો જયા તેનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
બીજા બનાવમા કેશોદમા રહેતા દક્ષાબેન સમીરભાઇ ચોવટીયા (ઉ.વ. 47) સ્કુટર લઇને જઇ રહયા હતા. ત્યારે ત્રણ દિવસ પુર્વે અગતરાય ગામે પાસે દક્ષાબેન ચોવટીયાનાં સ્કુટરને ડમ્પર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ઘવાયેલા દક્ષાબેન ચોવટીયાનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
