ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી બે ગઠિયા બેગમાંથી રોકડ-દાગીના ચોરી ગયા

રેલવેમાં મુસાફરી કરતાં યાત્રિકોના કિંમતી માલ-સામાન અને મોબાઈલની ચાલુ ટ્રેનમાંથી ચોરી થવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચુકવી…

રેલવેમાં મુસાફરી કરતાં યાત્રિકોના કિંમતી માલ-સામાન અને મોબાઈલની ચાલુ ટ્રેનમાંથી ચોરી થવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચુકવી બે ગઠીયા બેગમાંથી રોકડ અને દાગીના મળી કુલ રૂા.1.25 લાખની ચોરી કરી ગયાની ઘટના રેલવે પોલીસમાં નોંધાઈ છે. શાપર-વેરાવળમાં રહેતા બિહારી પ્રોૈઢ પરિવાર સાથે વતનમાં લગ્ન પ્રસંગમાંથી પરત આવતાં હતાં ત્યારે સાથે મુસાફરી કરતાં બે ગઠીયા નજર ચુકવી કળા કરી ગયા હતાં. આ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, મુળ બિહારના વતની અને છેલ્લા 10 વર્ષથી શાપર ગામે વ્રજભૂમિ હાઉસીંગ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને કારખાનામાં મજુરી કામ કરતાં અક્ષય બરનાથ સિતારામ ઓઝા (ઉ.55)એ રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પરિવાર સાથે તેમના વતન બિહારમાં લગ્ન પ્રસંગ હોવાથી ગયા હતાં. જ્યાંથી તા.21નાં પટના અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાં અમદાવાદ સુધી આવ્યા હતાં જ્યાંથી રાજકોટ આવવા માટે ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં આવતાં હતાં. તેમના અને તેમના પરિવાર પાસે કુલ 17 જેટલી બેગ હતી.

દરમિયાન રાજકોટ રેલવે સ્ટેશન આવતાં પહેલા ફરિયાદી ટ્રેનના દરવાજા પાસે ઉભા હતાં અને તેમની પાછળ તમેની 17 જેટલી બેગ દરવાજા પાસે ગેલેરીમાં રાખેલી હતી અને તેનો પુત્ર આનંદ પાછળ ઉભો હતો ત્યારે અજાણ્યા બે શખ્સો તેમની પાસે આવેલા અને એક શખ્સ તેમની સાથે વાત કરવા લાગેલો જ્યારે બીજો શખ્સ તેના પુત્રને કહેવા લાગેલો કે હજુ રાજકોટ રેલવે સ્ટેશન આવવાની અડધી કલાક જેટલો સમય લાગશે. તમે તમારી સિટ ઉપર જતાં રહો. તેમ કહી બન્ને અજાણ્યા શખ્સો સામાનની આગળ ઉભા હતાં.

બાદમાં રાજકોટ સ્ટેશન આવી જતાં ફરિયાદ તેમના પરિવાર સાથે તમામ માલ-સામાન લઈ તેમના ઘરે જતાં રહ્યા હતાં. બાદમાં તા.24નાં સવારે તેના પુત્ર આનંદના ફોન ઉપર રેલવે કર્મચારીનો ફોન આવેલો જેમાં તરઘડી ગામના રેલવે બ્રોડગેજ લાઈન પાસેથી તમારું આધારકાર્ડ, પાનકાર્ડ, ચેકબુક અને એટીએમ કાર્ડ રેલવેના પાટા પાસેથી મળેલા છે તેમ જણાવતાં ફરિયાદી અને તેનો પુત્ર ઘરે દોડી ગયા હતાં અને સામાન ચેક કરતાં 17 બેગ પૈકી વાદળી કલરની ટ્રોલી બેગ તપાસતા કપડાના કવરને કાપો મારી અજાણ્યા શખ્સો રોકડ અને સોના ચાંદીના દાગીના ચોરી ગયાનું જણાઈ આવ્યું હતું.

આ બેગમાં રૂા.80 હજારની રોકડ ઉપરાંત સોના-ચાંદીના દાગીના અને બેંકની પાસબુક, ચેક બુક અને એટીએમ કાર્ડ વગેરે મળી કુલ રૂા.1,25,500ની ચોરી કરી ગયા હોય અને ટ્રેનમાં તેમની સાથે ઉભેલા અજાણ્યા બે શખ્સો નજર ચુકવી બેગમાંથી કપડાના કવરને કાપો મારી ચોરી ગયાની શંકા હોય જેથી આ અંગે રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *