રાજકોટ શહેરમાં ગેમઝોન અગ્નિકાંડ ટાઢો પડતા જ પડદા પાછળ શરૂ થઈ ગયેલા ગેરકાયદેસર બાંધકામોના પડદા ઉંચકી મહાનગરપાલિકાએ હવે નોટીસો આપવાનું શરૂ કર્યુ છે અને આજે ત્રણ આસામીઓના ગેરકાયદે બાંધકામો સીલ કરી દીધા છે.
રાજકોટ મહાનગરપાલિકાએ વોર્ડ નં. 2 માં એરપોર્ટ રોડ ઉપર એકજાન નગરમાં રહેતા મુર્તુજા માકડા, વોર્ડ નં. 7 માં સોની બજાર ચોકમાં આવેલ સુશાંતભાઈ તથા વોર્ડ નં. 3માં જંક્શન પ્લોટમાં આવેલ પરેશભાઈ ડોડીયાને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની નોટીસો આપી તેની મ્કિકતો સીલ કરી દેતા ગેરકાયદે બાંધકામો કરનારાઓમાં સોપો પડી ગયા છે.
કોર્પોરેશનના સુત્રોના કહેવા મુજબ લોકોની ફરિયાદોના આધારે આ નોટીસો પાઠવી મિલ્કતો સીલ કરવામાં આવી છે. અને જો નહીં તોડે તો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, શહેરમાં અમુક નેતાઓ તથા દલાલોને પ્રોટેક્શન મની આપીને અથવા તો રાજકીય ઓથ તળે ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. ત્યારે અન્ય આસામીઓની મિલકતો સીલ કરવામાં આવશે કે કેમ? તે જોવું રહ્યું.
