જામનગરના પોલીસ ચોકીના એએસઆઈ-હેડ કોન્સ્ટેબલ 8000ની લાંચ લેતા ઝડપાયા

  જામનગરની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એક એએસઆઇ અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેઓએ એક આસામીને અરજીની તપાસમાં હેરાન નહીં કરવા, અને…

 

જામનગરની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એક એએસઆઇ અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેઓએ એક આસામીને અરજીની તપાસમાં હેરાન નહીં કરવા, અને લોકઅપમાં નહીં મૂકવા માટે રૂૂપિયા આઠ હજાર ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા છે. ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં જ લાંચ નું છટકું ગોઠવાયું હતું, જેમાં બંને આબાદ ઝડપાઈ ગયા હતા.

આ લાંચ ના પ્રકરણની વિગત એવી છે કે જામનગરની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા કે જેઓ બંનેએ સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના વિસ્તારના એક આસામી ને અરજીની તપાસ માટે પોલીસ ચોકીએ બોલાવ્યો હતો, અને તેને હેરાન નહીં કરવા અને લોકઅપમાં નહીં બેસાડવા માટે અને તાત્કાલિક મામલતદાર કચેરીમાં રજૂ કરી દેવા માટે 10,000 ની લાંચ ની રકમ ની માંગણી કરવામાં આવી હતી.

જે અંગે નક્કી થયા બાદ ગત 19 મી તારીખે તે આસામીની અટકાયત કરી લેવાયા બાદ તાત્કાલિક અસરથી મામલતદાર કચેરીમાં રજૂ કરી દેવાયો હતો. જે સમયે બંને પોલીસ કર્મચારીએ લાંચ માંગી હતી. જે તે વખતે આસામની પાસે માત્ર 2,000 રૂૂપિયા હતા. જે રકમ આપી દીધા બાદ બાકીના 8 હજાર રૂૂપિયા આજે બુધવારે આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ આજે સાંજે તે આસામી ને બંને પોલીસ કર્મચારીઓએ ફરીથી ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં બોલાવ્યો હતો.

પરંતુ ઉપરોક્ત આસામી બાકીની 8,000 ની રકમ આપવાની ઈચ્છા ધરાવતો ન હોવાથી તાત્કાલિક અસરથી જામનગરની લાંચ રૂૂશ્વત શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને તે અનુસાર લાંચનું છટકું ગોઠવાયું હતું.
જેના અનુસંધાને રાજકોટ એકમ ના પી.આઈ. આર.એન. વિરાણી અને જામનગર એ.સી.બી. નો સ્ટાફ વગેરે દ્વારા ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકી માંજ લાંચ નું છટકું ગોઠવીને એએસઆઈ યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગિરીરાજસિંહ જાડેજાને રંગે હાથ ઝડપી લીધા હતા. જે બંને પાસેથી લાંચ ની રકમ કબજે કરી લઇ એસીબીની કચેરીએ લઈ જવાયા છે, અને બંને સામે લાંચ રુસ્વત ધારા ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *