બુધવારે સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસની સુનાવણી શરૂૂ થઈ. આ મહત્વપૂર્ણ સુનાવણીમાં, કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મજબૂત રીતે કાનૂની પક્ષ રજૂ કર્યો.
સરકારે કોર્ટને જણાવ્યું હતું કે વકફ કાયદામાં ફેરફારો અંગે વ્યાપક ચર્ચા અને પરામર્શ થયો છે. તુષાર મહેતાએ સ્પષ્ટતા કરી કે અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી.તેમણે કહ્યું કે આ વિષય પર 97 લાખથી વધુ લોકો તરફથી સૂચનો પ્રાપ્ત થયા હતા, અને વિવિધ સ્તરે બેઠકો યોજાઈ હતી જેમાં આ સુધારાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
એસજીએ જણાવ્યું હતું કે 25 વક્ફ બોર્ડ પાસેથી મંતવ્યો લેવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાએ રૂૂબરૂૂ આવીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, રાજ્ય સરકારો સાથે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. તુષાર મહેતાએ કહ્યું કે સુધારાના દરેક કલમ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક સ્વીકારવામાં આવ્યા ન હતા.
સુનાવણી દરમિયાન, જસ્ટિસ બીઆર ગવઈએ પ્રશ્ન ઉઠાવ્યો કે તેમની દલીલ એ છે કે આ કિસ્સામાં સરકાર પોતાનો દાવો પોતે નક્કી કરશે? આ અંગે એસ.જી. મહેતાએ કહ્યું, એ સાચું છે કે સરકાર પોતાના દાવાની ચકાસણી કરી શકતી નથી. શરૂૂઆતના બિલમાં કહેવામાં આવ્યું હતું કે કલેક્ટર નિર્ણય લેશે. વાંધો એ હતો કે કલેક્ટર પોતાના કેસમાં જજ રહેશે. તેથી, જેપીસીએ સૂચન કર્યું કે કલેક્ટર સિવાય અન્ય કોઈને નિયુક્ત અધિકારી બનાવવો જોઈએ.
તેમણે સ્પષ્ટતા કરી કે મહેસૂલ અધિકારીઓ ફક્ત રેકોર્ડ માટે નિર્ણયો લે છે અને ટાઇટલને અંતિમ સ્વરૂૂપ આપતા નથી.એસ.જી. મહેતાએ કહ્યું, સરકાર બધા નાગરિકો માટે જમીનને ટ્રસ્ટી તરીકે રાખે છે. વકફ ઉપયોગ પર આધારિત છે – એટલે કે, જમીન કોઈ બીજાની છે, પરંતુ વપરાશકર્તાએ લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો છે. આવા કિસ્સામાં, તે જરૂૂરી છે કે તે ખાનગી અથવા સરકારી મિલકત હોય. જો કોઈ ઇમારત સરકારી જમીન પર હોય છે. તો શું સરકાર તપાસ ન કરી શકે કે તે મિલકત તેની છે કે નહીં? કલમ 3(ઈ) હેઠળ પણ આવી જ જોગવાઈ કરવામાં આવી છે.
સરકારે એમ પણ કહ્યું કે આ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિમાં પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક મુદ્દાનો મુદ્દાવાર જવાબ આપવામાં આવશે.
