ઓરેન્જ કેપની રેસમાં ઐયર-વિરાટની એન્ટ્રી, પર્પલ કેપના ટોપ-5 દાવેદારોમાં 4 ભારતીય

ગુજરાત મિરર, મુંબઇ તા.19 IPL 2025ની આ સિઝનમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બેટિંગ હોય કે બોલિંગ, દરેક ક્ષેત્રમાં ભારતીય ખેલાડીઓએ પોતાનો…

ગુજરાત મિરર, મુંબઇ તા.19
IPL 2025ની આ સિઝનમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બેટિંગ હોય કે બોલિંગ, દરેક ક્ષેત્રમાં ભારતીય ખેલાડીઓએ પોતાનો દબદબો જમાવ્યો છે. જેના કારણે ઓરેન્જ કેપ (સૌથી વધુ રન) અને પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) જીતવાની રેસમાં ઘણા ભારતીયો મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે.

IPL માં દર વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. આ ખેલાડીઓને કેપની સાથે ઈનામી રકમ પણ મળે છે. IPL 2025માં આ બંને કેપ માટે ખેલાડીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે, જેમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

IPL 2025માં અત્યાર સુધી સૌથી વધુ રન લખનૌ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરને બનાવ્યા છે. તેમણે સાત મેચમાં 59.50ની સરેરાશ અને 208.77ના સ્ટ્રાઈક રેટથી 357 રન નોંધાવ્યા છે. આ યાદીમાં બીજા ક્રમે ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન છે, જેમણે 329 રન બનાવ્યા છે. લખનૌના મિશેલ માર્શ 295 રન સાથે ત્રીજા સ્થાને છે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં ચોથા અને પાંચમા ક્રમે ભારતીય ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે.

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે છ મેચમાં 62.50ની સરેરાશ અને 204.92ના સ્ટ્રાઈક રેટથી 250 રન બનાવ્યા છે અને તેઓ ચોથા સ્થાને છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (છઈઇ)ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 248 રન સાથે પાંચમા સ્થાને છે. આમ, ઓરેન્જ કેપ માટેના ટોપ-5 બેટ્સમેનોમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જે ભારતીય બેટ્સમેનોની શાનદાર ફોર્મ દર્શાવે છે.

પર્પલ કેપના ટોપ-5 દાવેદારોમાંથી 4 ભારતીય: પર્પલ કેપ માટેની રેસ ઓરેન્જ કેપ કરતાં પણ વધુ રોમાંચક છે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહેમદ 12 વિકેટ સાથે ટોચ પર છે. પરંતુ ત્યારબાદના તમામ નામ ભારતીય બોલરોના છે. કુલદીપ યાદવ, ખલીલ અહેમદ અને શાર્દુલ ઠાકુરે અત્યાર સુધી 11-11 વિકેટ ઝડપી છે અને તેઓ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. વરુણ ચક્રવર્તી 10 વિકેટ સાથે પાંચમા ક્રમે છે.

આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણા, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા અને મિચેલ સ્ટાર્કે પણ 10-10 વિકેટ લીધી છે, જે પર્પલ કેપની રેસને વધુ રસપ્રદ બનાવે છે. પર્પલ કેપના ટોચના પાંચ દાવેદારોમાંથી ચાર ભારતીય બોલરો હોવાથી ભારતીય બોલિંગની મજબૂતાઈ સ્પષ્ટપણે જોવા મળે છે.

IPL 2025માં ભારતીય ખેલાડીઓનું આ પ્રદર્શન નિશ્ચિત રૂૂપે ભારતીય ક્રિકેટ માટે એક સારો સંકેત છે અને ચાહકોને પણ આ સીઝનમાં ઓરેન્જ અને પર્પલ કેપ માટે ભારતીય ખેલાડીઓ વચ્ચેની ટક્કર જોવાની ખૂબ મજા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *