દૃષ્ટિ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ, સુરત અને વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશન પસંદ કરાયા
પોલીસ પહોંચે તેના બે મિનિટ પહેલાં ડ્રોન પહોંચી જશે
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને તાત્કાલિક કાર્યવાહી વધુ અસરકારક બનાવવા માટે જીપી દ્રષ્ટિ (ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન્સ) પ્રોજેક્ટ શરૂૂ કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટનો ઉદ્દેશ પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો અને ક્રાઇમ મોનિટરિંગ વધુ ઝડપી બનાવવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમલમાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત, પોલીસ કંટ્રોલ રૂૂમ 100 ઉપર કોઈ પણ ઘટનાની જાણ થતાં જ પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના અપાશે.પરિણામે,પોલીસ સાથે-સાથે ડ્રોન પણ ઘટના સ્થળે રવાના કરવામાં આવશે.
આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ શહેરમાં પણ ડ્રોન બેઝ સ્ટેશન ચાલુ કરવામાં આવશે અને 100 નંબર પર કોલ આવતા જ પીએસીઆર વેન પહોંચે તે બનાવ વાળી જગ્યા પર પહેલાં ડ્રોન ત્યાં પહોંચી જશે.આ પ્રોજેક્ટની સફળતા બાદ ગુજરાત સરકારે ડ્રોનની ખરીદી શરૂૂ કરી છે. અત્યાર સુધીમાં 8 ડ્રોન પોલીસ વિભાગને મળી ગયા છે.જ્યારે ટૂંક સમયમાં 18 વધુ ડ્રોન રાજ્યમાં ઉપલબ્ધ થશે.આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો મેટ્રો સીટી ગણાતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોમાં લાગુ કરવામાં આવશે.જ્યાં ગુનાખોરીનું પ્રમાણ ઊંચું છે.
પ્રાથમિક તબક્કે અમદાવાદના 8 પોલીસ સ્ટેશનોમાં આ પ્રોજેક્ટ શરૂૂ થશે.ત્યારબાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં અમલમાં મૂકવામાં આવશે. આ નવા પ્રોજેક્ટથી ગુજરાત પોલીસનો રિસ્પોન્સ ટાઈમ નોંધપાત્ર રીતે ઘટશે અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.આ નવી સેવા હેઠળ જ્યારે પોલીસ કંટ્રોલ રૂૂમને કોઈ ઘટનાની જાણ થાય છે ત્યારે માત્ર પીસીઆર વાન જ નહિ પણ સાથે ડ્રોન પણ તાત્કાલિક રવાના થાય છે.ડ્રોન પીસીઆર વાનની તુલનાએ ખૂબ ઝડપથી ઘટના સ્થળે પહોંચી જાય છે અને ઘણીવાર માત્ર 2થી 2.5 મિનિટમાં પહોંચી જાય છે. ડ્રોનના લાઈવ ફૂટેજ સીધા ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓ જોઈ શકે છે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને પોલીસ દળની જરૂૂરિયાતનું મૂલ્યાંકન કરી શકાય છે.પ્રોજેક્ટના પહેલા તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોના એવા 33 પોલીસ સ્ટેશનો પસંદ કરવામાં આવ્યા છે.અહીં ડ્રોનથી સજ્જ તાત્કાલિક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડ્રોન ઓપરેટ માટે પોલીસ સ્ટાફને કરાઈ ખાતે છ દિવસીય તાલીમનું વિશેષ આયોજન
સરકાર દ્વારા શરૂૂ થયેલા જીપી દ્રષ્ટિ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ,અમદાવાદ,સુરત અને વડોદરા ખાતે પોલીસ વિભાગ માટે ડ્રોન બેઝ સ્ટેશન સ્થપાશે.જેમાં ડ્રોન ઓપરેટ શીખવા માટે પોલીસ સ્ટાફ માટે કરાઈ ખાતે છ દિવસની તાલીમનું ખાસ આયોજન કરવામાં આવશે.તેમજ રાત્રીના સમયે પણ અમુક સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડી મોનીટરીંગ કરવામાં આવશે.
