જામનગર શહેરમાં ગેરકાયદે રીતે ઘાસ ચારાનો વેચાણ કરવામાં આવે છે, અને તેમાંય ખાસ કરીને કાલાવડ નાકા બહાર નદીને દબાવીને ત્યાં કેટલાક ઘાસ વિક્રેતાઓ દ્વારા મોટા પાયે દબાણ સર્જીને ઘાસના વાડાઓ ઊભા કરી દેવાયા હોવાથી તે આશરે 30 હજાર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવા માટે આજે સવારે મહાનગરપાલિકા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ સોલિડ વેસ્ટ શાખાની બંને ટીમોના આશરે 40 જેટલા કર્મચારીઓની મદદથી વહેલી સવારે 8.30 વાગ્યાથી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે સિટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ.ચાવડા સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. ઉપરોક્ત સ્થળે અલગ અલગ સાત જેટલા ઘાસના વાડા ખડકી દેવાયા હતા, જેના પતરા, સેડ, ફેન્સીંગ સહિતનું તમામ દબાણ દૂર કરી લેવાયું હતું. અને આશરે 30,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. ઉપરોક્ત સ્થળે વેચાણ માટે મૂકવામાં આવેલું આશરે 200 મણ જેટલું ઘાસ, કે જે મહાનગરપાલિકાની અલગ અલગ ચાર મોટી ટ્રોલીમાં જમા કરી લેવાયું હતું, અને તમામ ઘાસને મહાનગરપાલિકા સંચાલીત ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે.
જામનગર શહેરને રસ્તે રઝળતા પશુઓથી મુક્ત કરાવવાના ભાગરૂૂપે આ પગલું ભરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરની મધ્યમાં પણ કેટલાક ઘાસના વિક્રેતાઓ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ઘાસનું વેચાણ કરે છે, તે મુજબ જામનગરમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષની સામે તેમ જ પંચેશ્વર ટાવર નજીક ગૌરીશંકર મહાદેવના મંદિરની સામેના ભાગમાં બે ઘાસના વિક્રેતાઓને ત્યાં પણ મહાનગરપાલિકાની ટુકડી ત્રાટકી હતી, અને ત્યાં હાજર રહેલો ઘાસનો જથ્થો કબજે કરી લઇ બંને સ્થળો પરથી જાહેરમાં ઘાસનું વેચાણ બંધ કરાવી દેવામાં આવ્યું છે.
