અધિકારી આરોગ્ય વિભાગની વિઝિટ કરતા ન હોય કેન્દ્રોમાં લોલંલોલ ચાલતું હોવાના આક્ષેપો કરી ધવાએ વિજીલન્સ તપાસની માંગ કરતા ચકચાર
મચ્છર ક્યાંથી આવ્યા: વિપક્ષને કાઢો, વચ્ચે ના બોલો, ફોટા પડાવવા, અમને ચર્ચા કરવા દો, વારંવાર આગની દુર્ઘટના શા માટે, માણસ હાલે એવડી મોટી લાઈનમાં પાણી આવે છે સહિતના શબ્દોથી જનરલ બોર્ડ ગાજી ઉઠ્યું
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજરોજ મળેલ પ્રશ્ર્નતરીમાં શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા મેલેરિયાને લગતી કામગીરીનો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો જેનો જવાબ બહુ લાંબો હોવાથી ડેપ્યુટી કમિશનર દ્વારા પ્રશ્ર્નનો જવાબ આપવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પૂર્વ શાસકપક્ષના નેતા વીનુભાઈ ધવાએ વિપક્ષની ભુમિકા ભજવી હોય તેમ આરોગ્ય વિભાગના અધિકારી ઉપર તડાપીટ બોલાવી કમિશનર અને મેયર તરીકે બિરાજમાન અધ્યક્ષને આરોગ્ય અધિકારી ક્યારેય આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા નથી. જેના લીધે કામગીરી લોલંમ લોલ ચાલી રહી છે. જેની વીજીલન્સ તપાસ થવી જોઈએ. તેવી માંગ કરતા બોર્ડમાં સન્નાટો બોલી ગયો હતો. જેની સામે વિપક્ષ દ્વારા પણ વીનુભાઈને સહકાર આપી અમારુ કામ તમે કરી રહ્યા છો. તેવુ કહી બિરદાવ્યા હતાં.
મનપાના જનરલ બોર્ડમાં દર વખતની માફક આ વખતે પણ એક પ્રશ્ર્નના જવાબમાં બોર્ડનો સમય પૂર્ણ કરવામાં આવી રહ્યો હતો. શાસકપક્ષના મહિલા કોર્પોરેટર દ્વારા મેલેરિયાને લગતી તમામ પ્રકારની કામગીરીનો પેટા સહિતનો પ્રશ્ર્ન પુછવામાં આવેલ જેનો જવાબ ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી દ્વારા આપવામાં આવી રહ્યો હતો. મેલેરિયાની કામગીરીના જવાબમાં કોઈ જાતનો દમ ન હોય તેવું લાગતું હતું. કરેલ કામગીરીના વખાણ થતાં હોય તેવો માહોલ બોર્ડમાં જોવા મળ્યો હતો. જેના લીધે શાસક પક્ષના કોર્પોરેટરો પણ બે બાકડા બની ગયા હતાં. તે સમયે શાસક પક્ષના પૂર્વ નેતા વીનુભાઈ ધવાએ પ્રશ્ર્નોતરી અટકાવી આરોગ્ય મુદ્દે અદિકારીઓને રિત્સરના તતડાવી નાખ્યા હતાં. વીનુભાઈએ જણાવેલ કે, મોટાભાગના આરોગ્ય કેન્દ્રમાં લોલંમ લોલ ચાલે છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્યારે પણ ચેકીંગ કરવામાં આવ્યું હોય તેમ જાણવા મળેલ નથી. તેમજ આ લોલંમ લોલની વીજીલન્સ તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો બહાર આવી શકે તેમ છે. અમે મર્યાદા રાખીએ છીએ એટલે કંઈ બોલતા નથી.
પરંતુ તમામ આરોગ્ય કેદન્દ્રમાં તપાસ કરવી જોઈએ તેમ કમિશનર અને મેયરને જણાવતા અધિકારીવર્ગ અને જનરલ બોર્ડમાં સોપો પડી ગયો હતો. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્ર્નો વીનુભાઈએ ઉઠાવતા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા સહિતના મોજમાં આવી ગયા હતા અને તાળીઓ પાડી વીનુભાઈને અભિનંદન પાઠવતા શાસકપક્ષના જ અમુક કોર્પોરેટરો જંખવાણા પડી ગયા હતાં.
જનરલ બોર્ડમાં આમ તો થઈ ગયેલા કામો અંગેના પ્રશ્ર્નો પુછવામાં આવતા હોય છે. આ પ્રશ્ર્નોને પ્રજા સાથે લાગે વડગે ન હોય તેવું અનેક વખત સાબિત થયું છે. તે સમયે વિપક્ષ દ્વારા શાસકપક્ષને ભીડવવા અને લોકોની સમસ્યાઓ હલ થાય તેવા સવાલો કરવામાં આવતા હોય છે. પ્રશ્ર્નોતરીમાં વારો ન આવ્યો હોય એટલે ચાલુ પ્રશ્ર્નોતરીએ વિપક્ષ દ્વારા દર વખથે ધમાલ અને માથાકુટ કરાતી હોય છે. પરંતુ આજના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયા દ્વારા એક-બે વખત ઉભા થઈને મચ્છર ઉત્પતિ સહિતના પ્રશ્ર્ને પ્રશ્ર્ન પુછવામાં આવેલ પરંતુ તેમને બેસાડી દેવાયા હતાં અને વિનુભાઈએ અધિકારીઓની કામગીરી અંગેની પોલ ખોલતા બોર્ડમાં શાસકપક્ષ દ્વારા વિપક્ષની કામગીરી કરાઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કોર્પોરેટરો દ્વારા શહેર ભાજપ પ્રમુખને ફરિયાદ કરવામાં આવેલ કે, અધિકારીઓ તેમના કહ્યામાં નથી અને તેમના ચીંધેલા કામ કરતા નથી. આ મુદ્દે મીટીંગ યોજી અધિકારીઓને વિશ્ર્વાસમાં લઈ કોર્પોરેટરોના કામો માટે સમજાવવામાં આવેલ છતાં કોર્પોરેટરનું કંઈ ઉપજતું નથી. તેવુ ફરી એકવખત જનરલ બોર્ડમાં વિનુભાઈએ સાબીત કરી દીધું હતું અને આરોગ્ય વિભાગના અધિકારીઓને આડેહાથ લીધા હતાં.
તમારામાં સંવેદના છે કે નહીં : વશરામ સાગઠિયા
મનપામાં જનરલ બોર્ડ પહેલા વિપક્ષ દ્વારા તાજેતરમાં થયેલ એટલાન્ટિસ દુર્ઘટના અંગે વિરોધ સાથે કોર્પોરેશનની ફાયર સેફ્ટી સહિતની કામગીરી ઉપર સવાલ ઉઠાવી સિલિન્ડર (ફાયર સેફ્ટીના બાટલા) સાથે કોર્પોરેશનમાં નારેબાજી કરી તમારામાં સંવેદના હોવી જોઈએ ત્રણ-ત્રણ વ્યક્તિના મોત થયા છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ટીઆરપી ગેમઝોન બાદ બીજી વખત આ ઘટના કેમ બની તે મુદ્દે તપાસ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. ટીઆરપી ગેમ ઝોન પછી પણ ના સુધરનાર ભાજપના મિત્રોને અને અધિકારીઓના કારણે 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ એથલેન્ટીક ટાવર માં શોર્ટ સર્કિટ થી આગ લાગતા 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે જે ટાવરમાં 6 માળ સુધી તો પાણીની લાઈન પણ ચોક્કસ (બંધ )હતી જાણવા મળતી વિગતો મુજબ ભાજપના પ્રદેશના મોટા ગજાનાં નેતાની તમામ મીઠી નજર અને રોકાણની ચર્ચાઓ છે તેના લીધે ભાજપના બે ધારાસભ્યો બધા જ કામકાજ છોડીને ત્યાં પહોંચી ગયા હતા અને કોર્પોરેશનને તેની ફાયર એનઓસી પણ 2023 થી આપી નથી ફાયર એનઓસી ના હોય તેવા ટાવર્સમાં લોકો રહે તો શું દશા થાય તે આપણે બધાએ જોયું 10 લાખ રૂૂપિયા નો ચેક એક વ્યક્તિને આપી ભીનું સંકેલી લીધું તેવું મેં એક પ્રેસમાં પણ જોયું. જાણવા મળતી વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફાયર એનઓસી આપે છે પરંતુ રાજકોટની કોર્પોરેશન ઓફિસનું જ ફાયર એનઓસી નથી તો વિચારો કાંઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ?.
ફોટા પડાવવા બાબતે બન્ને પક્ષના સભ્યો વચ્ચે જામી
પ્રશ્ર્નોતરી દરમિયાન વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયા દ્વારા મચ્છર આવ્યાક્યાંથી તેવો પ્રશ્ર્ન પુછવામાં આવતા શાસકપક્ષના મોટાભાગના કોર્પોરેટરોએ તેમને વચ્ચે બોલવાની ના પાડી જણાવેલ કે, ફક્ત ફોટા પડાવવા માટે જ તમે જનરલ બોર્ડમાં આવો છો જેની સામે વિપક્ષોએ પણ જોરદાર વિરોધ કરી જણાવેલ કે, તમે લોકો પણ વારાપરથી ઉભા થઈ ફક્ત ફોટાપડાવવા માટે જ મારો વિરોધ કરો છો આમ મીડિયા દ્વારા પાડવામાં આવતા ફોટાઓ મુદ્દે પણ આજના જનરલ બોર્ડમાં બન્ને પક્ષના સભ્યો વચ્ચે જામી પડી હતી. જેના લીધે અધિકારીઓમાં પણ કુતુહુલ સર્જાયુ હતું.
વિનુભાઈનો પડઘો, તમામ આરોગ્ય કેન્દ્રમાં મેયરનો તપાસનો આદેશ
આજના જનરલ બોર્ડમાં પૂર્વ શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવાએ વિપક્ષની ભૂમિકા ભજવી હોય તેમ આરોગ્ય કેન્દ્રમાં લોલંમલોલ ચાલતું હોવાના આક્ષેપો સાથે અધિકારીઓ ક્યારેય આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે જતાં નથી. તેમજ આજ સુધી મુખ્ય અધિકારી દ્વારા આરોગ્ય કેન્દ્રની વીઝીટ કરવામાં આવ્યું નથી. આરોગ્ય કેન્દ્રમાં ચાલતી કામગીરીને મુદ્દે અનેક ફરિયાદો પણ અગાઉ આવી છે. આથી તમામ આરોગ્ય કેન્દ્રમાં વીજીલન્સ તપાસ કરાવવી જોઈએ તેવી મેયર સમક્ષ માંગણીકરવામાં આવતા જનરલ બોર્ડ પુરુ થયા બાદ મેયરે તમામ આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવાના આદેશ જારી કર્યા છે. આમ શાસકપક્ષના સભ્યો દ્વારા ફરી એક વખત લોકોને પહોંચતી સમસ્યા અને અધિકારીઓની લાલિયાવાડીને ઉઘાડી પાડી સરાહનીય કામગીરી કરી છે.
ભાજપના પાંચ, કોંગ્રેસના એક સભ્યો ગેરહાજર
જનરલ બોર્ડમાં આજે છ સભ્યો ગેરહાજર જોવા મળ્યા હતા. દર બે માસે યોજાતા જનરલ બોર્ડમાં લોકોના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવાની હોય છે છતાં અમુક કોર્પોરેટરો પાસે બોર્ડમાં એક કલાક પણસમય ફાળવાતો નથી. જે મુજબ આજના જનરલ બોર્ડમાં પણ ભાજપના ડો. દર્શિતાબેન શાહ, અનિતાબેન ગોસ્વામી, ભારતીબેન એફ. પાડલિયા, સુરેશભાઈ વસોયા, દિલીપભાઈ લુણાગરિયા અને કોંગ્રેસના મકબુલભાઈ દાઉદાણી સહિતના છ સભ્યોએ રજા રીપોર્ટ મુક્યાનું જાણવા મળેલ છે.
નેહલના લેટરબોંબનું સૂરસૂરિયુ?, ભ્રષ્ટાચારની કોઈ શંકા નથી, વધુ ખર્ચની વિગતો માગી છે
આજના જનરલ બોર્ડમાં નેહલ શુકલ દ્વારા ટેન્ડરમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેના પ્રશ્ર્નો પુછવામાં આવેલ જેના લીધે ભારે ઉત્તેજના જોવા મળી હતી. પરંતુ નેહલ શુકલ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્ર્નનું બોર્ડ ચાલુ થાય તે પહેલા જ સુરસુરિયુ થઈ ગયું હોય તેમ ઉપરથી સુચના આવી હોય કે અગમ્ય કારણોસર આજે તેમણે ગોળ ગોળ જવાબ આપી પોતે પુછેલ પ્રશ્ર્નથી પુછો છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પુછેલા ટેન્ડર અંગેના પ્રશ્ર્નના જવાબમાં જણાવેલ કે, ટેન્ડરમાં જે રકમ મંજુર થઈ હોય તેમાં વધુ ખર્ચ કેમ થાય છે તેની વિગત માંગવામાં આવી છે. બજેટના અભાવે વિકાસ કામોને થોડા સમયથી બ્રેક લાગીગઈ હતી. ત્યાર બાદ એક સાથે વધુ ટેન્ડરો મુકવામાં આવ્યા છે. નિયમ મુજબ વેરિએશનના કારણે 10 ટકા વધારાની રકમ સુચવવામાં આવતી હોય છે. પરંતુ 10 ટકાથી વધારે હોય તો તપાસનો વિષય બને છે. ટેન્ડરમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાની આશંકા નથી પરંતુ વધુ ખર્ચ શા માટે થયો છે તે અનુસંધાને પ્રશ્ર્ન પુછવામાં આવ્ય છે. અને જવાબમાં જો ભ્રષ્ટાચાર ઉજાગર થશે તો ભારતીય જનતા પાર્ટીના મોવડીઓ દ્વારા જે નિર્ણય લેવા તે મુજબ પગલા પણ લેવામાં આવશે. એમ કહી તેમણે ટેન્ડરમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે ગોળગોળ વાતો કરી છેલ્લા બે દિવસથી ચાલી રહેલ અટકળોનો અંત આણ્યો હતો.
