મુંબઇમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 20 કરોડ પડાવ્યા

આધારકાર્ડના દૂરુપયોગના નામે ઠગે ફસાવી આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો હોવાનું જુઠ્ઠાણું ચલાવીને દક્ષિણ મુંબઈમાં રહેતી 86 વર્ષની સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે ખાસ્સા…

આધારકાર્ડના દૂરુપયોગના નામે ઠગે ફસાવી

આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો હોવાનું જુઠ્ઠાણું ચલાવીને દક્ષિણ મુંબઈમાં રહેતી 86 વર્ષની સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે ખાસ્સા 20 કરોડ રૂૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ કેસની તપાસ દરમિયાન સાઉથ રિજન સાયબર સેલે બે આરોપીને પકડી પાડ્યા હતા, જેમાંથી એક ઈન્ટરનેશનલ સિન્ડિકેટનો સભ્ય હોઈ તેણે ટેલિગ્રામ પર 13 વિદેશી નાગરિકનું એક ગ્રૂપ બનાવ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ શાયન જમીલ શેખ (20) અને રાઝીક આઝમ બટ (20) તરીકે થઈ હતી. શેખ મલાડનો રહેવાસી છે અને છેતરપિંડીથી પ્રાપ્ત કરાયેલી રકમમાંથી અમુક તેના બેન્ક ખાતામાં જમા થઈ હતી. મીરા રોડમાં રહેતો આરોપી બટ ઈન્ટરનેશનલ સિન્ડિકેટનો સભ્ય હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસ ફરિયાદ અનુસાર 26 ડિસેમ્બર, 2024થી ત્રીજી માર્ચ, 2025 દરમિયાન આ સાયબર ફ્રોડ થયું હતું.
આરોપીઓએ જ ફરિયાદીના આધાર કાર્ડ અને વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને એક રાષ્ટ્રીય બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું. પછી આ ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થયો હોવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું.

સૌપ્રથમ ડિસેમ્બર, 2024માં આરોપીએ ફરિયાદીને કોલ કર્યો હતો. આરોપીએ પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી. આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થયો હોવાથી ગુનો નોંધી ડિજિટલ અરેસ્ટની આરોપીએ ચીમકી આપી હતી. ફરિયાદી અને તેના કુટુંબીજનો પર પણ ગુનો નોંધવાનો ભય આરોપીએ દાખવ્યો હતો. બાદમાં વિવિધ કારણો રજૂ કરી ફરિયાદીને સમયાંતરે 20.25 કરોડ રૂૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *