રિટેલરોને ડિસ્ટ્રિબ્યુટ કરવાની લાલચ આપી 70 ફોન મેળવી રૂપિયા નહીં ચૂકવી પિતા-પુત્રએ ઠગાઈ કરી’તી
રાજકોટમાં મોબાઇલ ફોન હોલસેલર સાથે ઓળખાણ અને સંબંધો કેળવી રિટેલરોને ડિસ્ટ્રિબ્યુટ કરવાની લાલચ આપી મેકબુક સહિત 70 જેટલા મોબાઈલ ફોન રૂૂ.27.55 લાખ નાણાં ચૂકવ્યા વગર ઓળવી જવાની પુત્ર અને પિતા સામે નોંધાયેલી ફરિયાદમાં આરોપી પુત્ર સોહમ પ્રકાશભાઈ ગોંડલીયાની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી મોબાઈલ ફોન હોલ સેલર દ્વારકેશ એન્ટરપ્રાઈઝના જયકિશનભાઈ ઉર્ફે જેકીભાઈ મેતરા સાથે માર્ચ 2024થી જૂન 2024 દરમિયાન સોહમ પ્રકાશભાઈ ગોંડલીયા અને તેના પિતા પ્રકાશ દામજીભાઈ ગોંડલીયાએ વ્યવસાયિક સંબંધો કેળવી રિટેલરોને ડિસ્ટ્રિબ્યુટ કરવા મેકબૂક સહિત 70 મોબાઈલ ફોન રૂૂ.27.55નું ચુકવણું કર્યા વિનાજ ખરીદી, નકલી બિલો વાપરી અન્ય રિટેલરોને વેચી દીધા હતા. પરંતુ નાણાં નહીં જમા કરાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદવે આરોપી સોહમ પ્રકાશભાઈ ગોંડલીયાએ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થતા હાઇકોર્ટમાં આગોતરા અરજી કરી હતી. જે અરજીના વિરોધમાં ફરિયાદીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસ તપાસમાં જણાયું છે કે 70માંથી માત્ર 7 મોબાઈલ ફોન જ ટ્રેક થયા છે, જ્યારે બાકી 63 ફોન હજી ગુમ છે, અને તેઓને શોધવા માટે આરોપીની કસ્ટોડીયલ પૂછપરછ જરૂૂરી છે. આરોપીએ પોલીસ દ્વારા બે વખત આપવામાં આવેલી નોટિસ પછી પણ તપાસમાં સહકાર આપ્યો ન હતો, આવા આરોપીને જો જામીન આપવામાં આવે તો સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે. ફરિયાદીના એડવોકેટની દલીલોને ધ્યાને લઈ હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી. સુથારની સિંગલ બેન્ચે આ કેસને વ્હાઈટ કોલર ક્રાઈમનો સોશિયો ઈકોનોમિક ગુનો ગણાવી તે માત્ર એક વ્યક્તિ નહિ, પરંતુ સમગ્ર સમાજના હિતને અસર કરે છે તેમ જણાવી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. આ કામમાં ફરિયાદી પક્ષ વતી લોયર્સ ડેસ્ક લો-ફર્મના યુવા એડવોકેટ હિતેષ વિરડા, ભાવેશ બાંભવા તથા હાઇકોર્ટમાં ધ્રુવ ટોળીયા રોકાયા હતા.