સેન્ટરની પસંદગી માટે પ્રથમવાર બનશે કમિટી
પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મે 2025માં યોજાનારી NEETની પરીક્ષાને લઇને NTAદ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દેશમાં પ્રથમવાર સેન્ટરની પસંદગી માટે કમિટી બનાવવામાં આવશે અને ખાનગી સંસ્થાને પરીક્ષા કેન્દ્ર ન ફાળવવાનો નિર્ણય લીધો છે. આ કમિટી પંચમહાલ જિલ્લા અધ્યક્ષતામાં કામ કરશે. એન.ટી.એ. દ્વારા રચવામાં આવેલી જિલ્લા કક્ષાની કમિટિની રચના કરાઇ છે, જે ગેરરીતિનું ધ્યાન રાખશે. કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય કમિટીના નોડલ સિટી કોર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવશે.
રાષ્ટ્રીય એજન્સી દ્વારા જે ગાઇડલાઇન્સ નક્કી કરાઇ છે તેના માર્ગદર્શનના આધારે પરીક્ષાના આયોજન અને સંદર્ભમાં કામ કરશે. કમિટિ પરીક્ષા માટે કેન્દ્રોની ચકાસણી અને કેન્દ્રોનું ઓડિટ એનટીએમાં આપવાની કામગીરી કરશે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ સ્કૂલના નીટ પરીક્ષાના કેન્દ્રમાં ઉમેદવારોને પાસ કરાવવાનું કૌભાંડ મે માસના પ્રારંભમાં ઝડપાયા બાદ તેના પડઘા સમગ્ર દેશભરમાં પડયા હતાં. આ કૌભાંડ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પાંચ ભેજાબાજોની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડની તપાસ સીબીઆઇને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.