અંજારની કુખ્યાત લેડી રિયા ગૌસ્વામીની ટોળકી વિરુદ્ધ પોલીસે પાસા તળે કાર્યવાહી કરી છે.ભાઇ અને બે બહેનોની ત્રિપુટી વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે.અંજારની આ ત્રિપુટી ગેરકાયદેસર વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી માટે કુખ્યાત છે.રિયા ઈશ્વર ગૌસ્વામી, તેની બહેન આરતી ઈશ્વર ગૌસ્વામી અને ભાઈ તેજસ ઈશ્વર ગૌસ્વામી વિરુદ્ધ અસંખ્ય ગુના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.
થોડા સમય અગાઉ પૂર્વ કચ્છ પોલીસે ભાઈબહેનોની ત્રિપુટી વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી અને આરોપી જામીન પર છૂટયા બાદ પણ ગેર કાયદેસર વ્યાજખોરીની પ્રવૃતિ ચાલુ રાખતા પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે.
અંજારના કુખ્યાત ભાઈ-બહેનોની ત્રિપુટી વિરુદ્ધ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરી હતી જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મળતા પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને અંજાર પોલીસે સયુંકત ઓપરેશન હાથધરી ત્રણેય આરોપીની અટકાયત કરીને રિયા ગૌસ્વામી અને આરતી ગૌસ્વામીને અમદાવાદ મધ્યસ્થ જેલ અને તેના ભાઈ તેજસ ગૌસ્વામીને રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો છે.