રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બળાત્કાર કેસના આરોપીએ જેલમાંથી આ ધમકી આપી છે. શુક્રવારે રાત્રે, દૌસાની સલાવાસ જેલના એક કેદીએ મુખ્યમંત્રી ભજનલાલને મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું. બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 29 વર્ષીય રિંકુએ જયપુર પોલીસ કંટ્રોલ રૂૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે સલાવાસ જેલમાં કોલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોનનું લોકેશન શોધી કાઢ્યું. પોલીસે જણાવ્યું કે જેલમાં સવારે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરતા જેલમાંથી ફોન મળી આવ્યો છે. કેદી પાસે ફોન પહોંચવા બાબતની પણ તપાસ થઈ રહી છે. અગાઉ પણ મુખ્યમંત્રીને જેલમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ત્યારે પણ દૌસા સેન્ટ્રલ જેલમાંથી આરોપી દ્વારા ફોન પર ધમકી આપવામાં આવી હતી.
આરોપી 2022માં પોક્સો કેસમાં દૌસા સેન્ટ્રલ જેલમાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ પહેલા પણ મુખ્યમંત્રીને જેલમાંથી ધમકી આપવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન દૌસા જેલની અંદરથી મોબાઇલ મળી આવ્યો હતો. હવે ફરી જેલની અંદરથી ધમકી આપવામાં આવતા જેલ પ્રશાસન પર સવાલો ઉભા થાય છે. હાલમાં, મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી પાછળનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ વધુ તપાસ કરી રહ્યા છે. જુલાઈ 2024 માં, દૌસા સેન્ટ્રલ જેલના એક કેદીએ સીએમ શર્માને મારી નાખવાની ધમકી આપી હતી.જાન્યુઆરી 2025માં જયપુર સેન્ટ્રલ જેલમાં બંધ એક પોક્સો કેદીએ પણ જયપુર પોલીસ કંટ્રોલ રૂૂમમાં ફોન કરીને શર્માને ગોળી મારી દેવાની ધમકી આપી હતી.