કોર્પોરેશનની કાર અને ડ્રાઈવર લઈ પદાધિકારીઓ પહોંચ્યા પુણ્યનું ભાથું બાંધવા, કિલોમીટરનું ભાડુ માત્ર રૂા.2 અને પ્રજા પર કરોડોનો કરબોજ
પ્રયાગરાજમાં કાર ઉપર કપડાં સૂકવવાના ફોટા વાયરલ થતાં ભારે દેકારો, મંજુરી મેળવીને ગયાનો સ્ટેન્ડિંગ ચેરમેનનો બચાવ
મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને સરકાર દ્વારા અન્ય સુવિધાઓની સાથો સાથ કારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં નિયમ મુજબ અધિકારીઓને ફિલ્ડ વર્ક માટે ડ્રાઈવર અનેકારની સેવા આપવામાં આવે છે. જ્યારે પદાધિકારીઓને પણ તેમના કાર્યકરો માટે અને ઘરથી ઓફિસ આવવા જવા માટે આ સુવિધા અપાતી હોય છે. પરંતુ મનપાના મેયર નયનાબેન પેઢડિયા પોતાના મિત્ર સર્કલ સાથે તા. 6 ના રોજ મહાકુંભમાં ડુબકી લગાવવા પહોંચતા સરકારી કારનો દૂરઉપયોગ થયાના મુદ્દેદેકારો બોલી ગયો છે. જેથી સ્ટેન્ડીંગ ચેરમેને ગુજરાત બહાર કાર લઈ જવાની મંજુરી કમિશનર પાસેથી મેળવવામાં આવી છે અને રૂા. 2 પ્રતિ કિલોમીટર ભાડુ મેયર પાસેથી વસુલવામાં આવશે. તેમ કહી મેયરનો બચાવ કરવામાં આવ્યો છે.
મનપાના મેયર સ્ટેન્ડીંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા અને દંડકને સરકાર દ્વારા ડ્રાઈવર સાથે કારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાબેતા મુજબ દરેક પદાધિકારીઓ પોતાના ઘરેથી ઓફિસ આવવા માટે તેમજ અન્ય કાર્યક્રમોમાં હાજરી આપવા માટે કારનો ઉપયોગ કરતા હોય છે. ગુજરાતભરમાં કોઈપણ સ્થળે સરકારી અથવા પક્ષનો કાર્યક્રમ હોય ત્યારે પદાધિકારીઓને ડ્રાઈવર સાથે કાર લઈને જવાની અનુમતિ હોય છે. પરંતુ મેયર નયનાબેન પેઢડિયા તા. 6 ના રોજ સરકારે ફાળવેલ કાર લઈને પોતાના મિત્રો સાથે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચ્યા હતાં.
જેના ફોટા અને વીડિયો વાયરલ થતાં દેકારો બોલી ગયો છે. અને આ મુદ્દે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે પુછપરછ કરતા તેમણે જણાવેલ કે, 2010માં સ્ટેન્ડીંગ કમિટિમાં ઠરાવ કરવામાં આવે તે મુજબ ગુજરાતની બહાર પદાધિકારીઓ કાર લઈને જાય ત્યારે પ્રતિકિલોમીટર રૂા. 2 ભાડુ ચુકવવાનું થાય છે. આથી મેયર નયનાબેન પેઢડિયાએ પણ પ્રયાગરાજ જવાનું હોવાથી કમિશનરને પત્ર તેમની પાસેથી મંજુરી મેળવ્યા બાદ તેઓ કુંભ મેળામાં ગયા છે. અને તેમની સાથે અન્ય મહિલા મિત્રો પણ ગયેલા છે.
આથી સરકારના નિયમ મુજબ ગુજરાતની બહાર પદાધિકારીઓ તેમને ફાળવેલ કાર લઈને જાય ત્યારે તેમને નિયત કરેલ રૂા. 2 પ્રતિ કિલોમીટર ચુકવવાના હોય છે. આથી ડ્રાઈવર દ્વારા લોકબુકમાં એન્ટ્રી કરી ગુજરાતની બહારના તમામ કિલોમીટરને હિસાબ કરી એન્ટ્રી કરવામાં આવશે. અને તે મુજબનું ભાડુ મેયર પાસેથી વસુલવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
ચેરમેને વધુમાં જણાવેલ કે, 10 વર્ષ પહેલા સ્ટેન્ડીંગમાં ઠરાવ થયો છે અને તે સમયે ચાલતા દર મુજબ સરકારી ગાડીનો ગુજરાત બહાર ઉપયોગ કરાવમાં આવે તો બે રૂપિયા ભાડુ વસુલવાનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે.
આથી મેયર નયનાબેન પેઢડિયા પ્રયાગરાજ કુંભ મેળામાં મંજુરી લઈને ગયા છે. અને તેઓએ નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હોવાથી તેમની વિરુદ્ધ કોઈ પગલા બનતા નથી. મેયર રાજકોટ આવ્યા બાદ લોકબુકમાં એન્ટ્રી થયેલ કિલોમીટર મુજબ ભાડુ વસુલવામાં આવશે. આમ કોર્પોરેશનના મેયર ફક્ત રૂા. 2 પ્રતિ કિલોમીટરના ભાડાથી મહાકુંભમાં ડુબકી લગાવી પુણ્યનું ભાથુ બાંધશે જેમાં પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
