શહેરમા પુષ્કરધામ વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી સગીરાએ માથાના દુખાવાથી કંટાળી એસિડ પી આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોતથી પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પુષ્કરધામ કેવલમ રેસીડેન્સી સામે આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી સાયનાબેન લાલજીભાઈ ચાવડા નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વ જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક સાયનાબેન ચાવડા એક ભાઈ એક બહેનમાં નાની હતી તેની માતા હોસ્પિટલમાં નોકરી કરી છે પિતા લાલજીભાઈ ચાવડા પાનેલી ગામે પોતાના વતનમાં ગયા હતા જ્યારે માતા રેખાબેન પુત્રવધુને પ્રસુતિ આવતા હોસ્પિટલે ગયા હતા ત્યારે ઘરે એકલી રહેલી સાયનાબેન ચાવડાએ માથાના દુખાવાથી કંટાળી એસીડ પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
