બાંધકામ સમયે ટેકાચોકા ખસી બાજુમાં પડતા દુર્ઘટના બની: સારવારમાં ખસેડાયા
જામનગરમાં લંઘાવાડના ઢાળિયા પાસે એક મકાનના બાંધકામ સમયે ટેકાચોકા ખસી જતાં બાજુમાં જ આવેલા નળિયા વાળા એક જૂના મકાન નો હિસ્સો ધસી પડ્યો હતો. જે અકસ્માતમાં એક પ્રૌઢ મહિલા અને બે શ્રમિકો સહિત ત્રણને ઈજા થઈ છે. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ ત્રણેય ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લંઘાવાડના ઢાળીયા પાસે એક જૂના મકાન નું બાંધકામ ચાલી રહ્યું હતું, અને ટેકાચોંકા ઉભા કરાયા હતા.
જ્યાં બપોરે પોણા બાર વાગ્યે ટકા ખસી જતાં મલવો નીચે પડ્યો હતો, તેમજ બાજુમાં જ આવેલું એક જુનવાણી નળિયાવાળું મકાન પણ ધરાસાઈ થઈ ગયું હતું, જે મકાનની અંદર હાજર રહેલા મેમુનાબેન નામના 58 વર્ષના પ્રૌઢ મહિલા ઇજા ગ્રસ્ત બન્યા હતા, ઉપરાંત બાંધકામના સ્થળે કામ કરી રહેલા બે શ્રમિક યુવાનો પણ ઇજાગ્રસ્ત બન્યા હતા અને કાટમાળ હેઠળ દબાયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મકાનનો કાટમાળ ખસેડીને અંદર ફસાયેલા ત્રણેયને બહાર કાઢી લીધા હતા, અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ત્રણેયને સરકારી જીજી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે.આ બનાવની જાણ થતા પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.