સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી મારા રુંવાટા ઉભા થઇ ગયા: આમીર ખાન

  એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાંનિધ્યમાં ઉજવાયેલા 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા હતા. તેમણે સ્ટેચ્યુ…

 

એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાંનિધ્યમાં ઉજવાયેલા 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની મુલાકાત લઇ સરદાર સાહેબને ભાવવંદના કરી હતી.

ખાદીના ફેશનેબલ વસ્ત્રો ધારણ કરી આવેલા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચેરમેન મુકેશ પૂરીના હસ્તે થયેલા ધ્વજવંદનમાં સહભાગી બની રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપી હતી. સીઆઇએસએફની પ્લાટૂન સાથે તેમણે તસવીરો પણ ખેંચાવી હતી. ચાહકોને પણ મળ્યા હતા.બાદમાં તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભારતના એકીકરણ અને તેમાં પડેલી મુશ્કેલીઓને સરદાર સાહેબે કુનેહપૂર્વક તેને કેવી રીતે પાર પાડી હતી, તે સહિતની બાબત જાણી હતી. તેમણે એકતા સંકલ્પ પણ લીધો હતો.

તેમણે વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમને પણ નિહાળ્યો હતો. આમિર ખાને પરિસર સ્થળમાં બેસી સરદાર સાહેબના જીવની ઉપરના પુસ્તકનું વાંચન કર્યું હતું. તેમણે પિન્ક રિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો. વિશ્વ વન પરિસરમાં તેમને ખાટી ભિંડીનું સરબત, બાજરી અને મકાઇના થેપલા, મકાઇના મુઠિયા અને ચૂરમાના લાડુનું ભોજન પીરસવામાં આવ્યું હતું.માધ્યમો સાથેની વાચચીતમાં આમિર ખાને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, ભારતમાં પ્રાચીન સ્થળો તો અનેક છે, પણ આવું મોર્ડન સ્થળ પ્રથમ વખત જોયું છે. રાષ્ટ્રીય પર્વના દિવસે જ અહીં આવી શક્યો એ માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *