ભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરી

60થી વધુ વય અને બે ટર્મથી વધુ સમય ચૂંટાનારાઓના પત્તા કપાશે, બુધ-ગુરુ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થશે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ,…

60થી વધુ વય અને બે ટર્મથી વધુ સમય ચૂંટાનારાઓના પત્તા કપાશે, બુધ-ગુરુ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થશે

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. જોકે, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ છે. 60થી વધુ વય હશે અને બે ટર્મથી વધુ સમયથી ચૂંટનારાને ટિકિટ નહી મળે. ભાજપે નવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવા નક્કી કર્યુ છે.

ગુજરાતમાં હાલ 66 પૈકી 42 પાલિકા પર ભાજપનો કબજો છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યાં પછી પાલિકા-પંચાયત પર પણ રાજકીય દબદબો કાયમ રાખવા ભાજપે અત્યારથી કમર કસી છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મૂરતિાઓની પસંદગી કરવા માટે ભાજપે નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. છેલ્લાં બે દિવસમાં દાવેદારોને મળીને સેન્સ પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. નિરીક્ષકો દાવેદારોના નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ નેતાઓને સોંપી દેશે.
સૂત્રોના મતે, આગામી 29-30મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે જેમાં ઉમેદવારાના નામો પર મહોર મારવામાં આવશે. તા.1લી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે જોતાં 31મીએ ભાજપ ઉમેદવારોના નામોની ઘોષણા કરે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે.ફેબ્રુઆરીનો માસ રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે કેમકે, 16મી ફેબ્રુઆરી પાલિકા-પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે 18મીએ ચૂંટણી પરિણામો જાહેર થશે. આ પરિણામના બીજા દિવસથી વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થશે. પાલિકા-પંચાયતની ચૂંટણી પછી શહેર-જીલ્લા પ્રમુખોના નામોની જાહેરાત થઇ શકે છે.

ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોચ્યો છે. આ જોતાં શહેર-જીલ્લા પ્રમુખના નામોની જાહેરાત પર બ્રેક લગાવી દેવાઇ છે કેમકે, પ્રમુખપદની ખેંચતાણ એેટલી હદે થઇ રહી છેકે, અસંતોષની આગ ભભૂકે તેમ છે જેની સીધી અસર પાલિકા-પંચાયતની ચૂંટણી પરિણામો પર થાય તેમ છે. સંગઠનના પદ માટે અંદરોઅંદરની લડાઇ જામી છે ત્યારે હવે પાલિકા-પંચાયતમાં ટિકિટ માટે પણ પૂરજોશમાં લોબિંગ થઇ રહ્યુ છે. આ કારણોસર ઉમેદવારની પસંદગીમાં પણ જૂથવાદ હાવી થશે તેવો ભાજપને ડર સતાવી રહ્યો છે.

એક તરફ, પાલિકા-પંચાયતની ચૂંટણી જીતવા ભાજપે રાજકીય કવાયત તેજ કરી છ તો બીજી તરફ, અમરેલી લેટરકાંડ ખુબ ગાજ્યો છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનના મુદ્દો સરકાર વિરૂૂદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. ભાજપમાં આંતકલહ વકર્યો છે. આ બધાય મુદ્દા ભાજપને નડી શકે છે. પાલિકા- પંચાયતની ચૂંટણીને આડે માત્ર પંદરેક દિવસો જ રહ્યાં છે ત્યારે ભાજપમાં અસંતોષની આગ પર ઠંડુ પાણી રેડનાર જ કોઇ નથી.

કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે: મુકુલ વાસનિક
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનમાં ગાંઠ પડી છે. જેમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. પક્ષના કાર્યકર્તાઓને રાત દિવસ જોયા વિના ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે હાકલ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે છે, ત્યારે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર એનસીપી ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે.આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જે રીતે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના શાસનનો અંત લાવવા માટે આમ આદમી પાર્ટીને જે પણ કરવું પડે તે કરશે. કોંગ્રેસે સ્થાનિક લેવલે ગઠબંધનની વાત કરી છે તેને હું આવકારું છું. સ્થાનિક લેવલે ગઠબંધનના જે નિર્ણયો લેવાશે તેને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *