દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ એવા ઓખાના દરિયા કિનારે આવેલા એક ટાપુ પાસેથી શંકાસ્પદ મનાતી હાલતમાં ઝડપાયેલા આઠ માછીમારોને ઓખા કોર્ટે જામીન નામંજૂર કરી, જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.આ સમગ્ર ચકચારી પ્રકરણમાં પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઓખા મરીન પોલીસ મથકના સ્ટાફ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઓખા મંડળમાં આવેલા ખારા મીઠા ચૂસણા ટાપુ પાસેથી ફિશીંગ બોટ મારફતે ઝાળ બીછાવીને માછીમારી કરવા નીકળેલા આઠ શખ્સોને મંજૂરી વગર પ્રતિબંધિત એવા આ ટાપુ પરથી પોલીસે ઝડપી લીધા હતા.
ખારા મીઠા ચૂસણા ટાપુ પાસેથી નસ્ત્રગોપ બોરીશાસ્ત્રસ્ત્ર નામની ચોક્કસ રજીસ્ટ્રેશન નંબરની એક ફિશીંગ બોટ દ્વારા ટાપુ પાસેથી સલાયામાં રહેતા અને ઉપરોક્ત બોટના માલિક તવશીન જુનસ સંઘાર, અશગર જુનસ સંઘાર, હારુન કાસમ સુંભણીયા, ફયાઝ દાઉદ ચબા ગની રજાક ગંઢાર, ઇમરાન દાઉદ ગાઝીયા, સાબીદ સલેમાન ઓસમાણ સુંભણીયા અને હસન મામદ સંઘાર નામના આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે ઉપરોક્ત શખ્સોને ઓખાની અદાલતમાં રજુ કરતા નામદાર અદાલતે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી અને આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
—