ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આગામી 27 ફેબ્રુઆરી, 2025થી ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂૂ થવા જઈ રહી છે.જેમાં રેગ્યુલર અને રીપિટર મળીને કુલ 14.48 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની વિગતો જોઈએ તો ધોરણ-10 (જજઈ)માં 7,62,495 નિયમિત વિદ્યાર્થીઓ તેમજ 82,132 રીપિટર વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ સિવાય ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,64,859 રેગ્યુલર વિદ્યાર્થીઓ અને 22,652 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,00,813 રેગ્યુલર વિદ્યાર્થીઓ તેમજ 10,476 રીપીટર વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ 12,28,167 રેગ્યુલર અને 1,15,260 રીપીટર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
શિક્ષણ બોર્ડ જ્વારા વિદ્યાર્થીઓના હિત માટે તેમજ વાલીઓ અને શાળાના માર્ગદર્શન માટે હેલ્પલાઇન નંબર 18002335500 જાહેર કર્યો છે. આ સુવિધા 27 જાન્યુઆરીથી 17 માર્ચ દરમિયાન કાર્યરત રહેશે. જેમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની મુંઝવણ અંગે તેમજ વાલીઓ કે શાળાને કોઈ પ્રશ્નો હોય તો જણાવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે.
