રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી છે પરંતુ હવામાનમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતા વધી છે. આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. ગુજરાતમાં ફરી વાદળોએ મંડાણ માંડ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કમોસમી વરસાદની આગાહી પણ છે.
આજે ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની વકી છે. રાજ્યમાં વર્તમાન ઠંડીનું મોજુ યથાવત રહ્યું છે.
આજે નલિયા 5.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાવાની સાથે ઠંડો પવન ફૂંકાતા સવારે કાતિલ ઠંડી વર્તાઇ હતી. સવારે ગાઢ ધૂમ્મસ છવાયું હતું, જેના કારણે વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની રહેશે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં પારો નીચે ગયો છે. બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. ઉત્તરાયણ બાદ ઠંડી ઘટવાની વકી છે. હવામાનમાં પલટા બાદ વાદળછાયા હવામાન વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. પાલનપુરના જગાણા, ભાગળ, લાલાવડા સહિતના ગ્રામ પંથકમાં વરસાદી છાંટા અનુભવાયા છે. આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે. ઘઉં, રાયડો, જીરું જેવા પાકોને લઈને ખેડૂતોની ચિંતા વધી છે.
બીજી તરફ જ્યોતિષોની આગાહી મુજબ, હાલ ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્શિયસ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની અથવા તો માવઠું પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.