નવી ઉપાધિ, ગુજરાતમાં પતંગ પર્વ ઉત્તરાયણે પણ માવઠાની આગાહી

  12થી 18 જાન્યુઆરી કમોસમી વરસાદ ચગાવશે પતંગ રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂંઠવાયા છે.…

 

12થી 18 જાન્યુઆરી કમોસમી વરસાદ ચગાવશે પતંગ

રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂંઠવાયા છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે. આજે 6.5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ગુજરાતની સાથે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે.

માઉન્ટ આબુ પર પારો વધુ એક વખત માઈનસ 3 ડિગ્રી થતા ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઈનસ તાપમાનમાં પણ મોજ માણતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ રાજ્યના વિવિધ શહેરમાં પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા દિવસભર ઠંડકનો અહેસાસ થયો હતો. હવામાન નિષ્ણાંતોએ ઉત્તરાયણ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટા સાથે વરસાદ થવાની આગાહી કરી છે. જ્યારે 4થી 8 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 12થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરી પૂર્વ, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ આ દિવસો દરમિયાન વાતાવરણમાં પલટાના યોગ છે. સૌરાષ્ટ્ર, જામનગરમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની વકી છે, આ ઉપરાંત 4થી 8 જાન્યુઆરી દરમિયાન ઉત્તર, મધ્ય ગુજરાત, પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં કાતિલ ઠંડી પડવાની વકી છે. જેમાં તાપમાનનો પારો 8 ડિગ્રીથી નીચે જઇ શકે છે. ઉપરાંત કચ્છ-નલિયામાં તો તાપમાનનો પારો 3 ડિગ્રીની નીચે જવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

હવામાન વિભાગે ગુજરાત અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. કમોસમી વરસાદ અને કોલ્ડવેવની કોઈ આગાહી નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *