દિગ્ગજ કલાકારો પં.અજોય ચક્રબર્તી, ઉ.તૌફિક કુરેશી, પં.સાજન મિશ્રા, ઉ.શાહિદ પરવેઝ, શશાંક સુબ્રમણ્યમ, ડો.અશ્ર્વિની ભિંડે, પં.તેજેન્દ્દ મજુમદાર સહિતના 55થી વધુ કલાકારો કલા પીરસશે: રવિવારથી રજિસ્ટ્રેશન શરૂ
કલા અને સંસ્કૃતિના પીપાસુ શ્રોતાઓને નિરંતર સાત દિવસો સુધી સુર, લય અને તાલના પ્રવાહમાં તરબોળ કરવાના આશયથી, સામાજીક પ્રવૃતિઓને વરેલી નીઓ રાજકોટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પસપ્ત-સંગીતિ-2025થ ની સાતમી આવૃતિના આયોજનની તૈયારીઓ પુરજોશ સાથે શરુ કરી દેવામાં આવી છે. 2025 થી શરુ થતા નવા વર્ષમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તા. 2 થી 8 દરમિયાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દેશના ખ્યાતિ-પ્રાપ્ત અને અગ્ર પંક્તિના કલા-સાધકો પોતાની કલા રજુ કરશે. દર વર્ષની પરંપરા અનુસાર સપ્તાહના સાતેય દિવસ અલગ-અલગ કલાના ટોચના કલાસાધકો તેમના સહ-કલાકારો સાથે કલાની પ્રસ્તુતી કરશે.
સમાજ સેવા, શિક્ષણ તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન વર્ષ 2017 થી લગાતાર રાજકોટની કલાની કદરદાન પ્રજાને શાસ્ત્રીય સંગીતના સુર અને તાલથી તરબોળ કરી રહી છે, જેમાં વર્ષ 2021 અને 2022 દરમિયાન પ્રસ્તુતી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી. જયારે છ વર્ષ પ્રત્યક્ષ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. આ વખતે સાત દિવસ દરમ્યાન મુખ્ય, સહ-કલાકારો અને યુવા પ્રતિભાઓ સહીત કુલ 55 થી 60 કલાકારો શ્રોતાઓને કલાનું રસપાન કરાવશે. જેમાં શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારો પં. અજોય ચક્રબર્તી, ઉ. તૌફિક કુરેશી, પં. સાજન મિશ્રા, ઉ. શાહિદ પરવેઝ ખાન, ડો. અશ્વિની ભિડે દેશપાંડે અને પં. તેજેન્દ્ર નારાયરન મજુમદાર જેવા અગ્ર પંક્તિના કલાકારોનો સમાવેશ થાય છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો આ સમગ્ર આયોજન પાછળનો ઉદેશ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સમા શાસ્ત્રીય સંગીતને જાળવવા ઉપરાંત શાસ્ત્રીય સંગીતના કલાકારોને પ્રોત્સાહિત કરી લોકો સમક્ષ કૌશલ્યની પ્રસ્તુતીથી તેને પ્રચલીત બનાવવા અને રસ ધરાવતા કલા સાધકો તેમાંથી જ્ઞાન ગ્રહણ કરી, આ ભવ્ય વારસાને અપનાવી અને આગળ વધારી શકે તેવો ઉમદા ઉદ્દેશ છે.
અગાઉના વર્ષો દરમ્યાન અહીં પધારતા દેશના ટોચના કલાકારો સાથે રાજકોટના કલાપીપાસુઓને મેળવી, ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય તેવા પ્રયાસોના ભાગ રુપે વર્કશોપ અને સેશનના આયોજનો પણ કરવામાં આવ્યા હત્તા, જે અંગે આ વર્ષે પણ પ્રયાસો કરાશે.
ભવ્ય અને જાજરમાન રીતે યોજાનાર નસ્ત્રસપ્ત સંગીતિ 2025‘સ્ત્ર માં દિગ્ગજ અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્વારા સૌરાષ્ટ્રની કલાચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યા છે. તા 02 જાન્યુઆરીના રોજ સમારોહની સુરીલી શરુઆત કલર્સ ઓફ રીધમ ટ્રીઓ ગ્રુપમાં ઉસ્તાદ તૌફીક કુરેશીનું ડીજેમ્બે, પં. રામદાસ પલસૂલેના તબલા વાદન અને મિલિંદ તુલેંકરના જલ તરંગથી થશે. તા. 03 જાન્યુઆરીના રોજ પં. સાજન મિશ્રા અને તેમના પુત્ર સ્વરાજ મિશ્રાનું શાસ્ત્રીય કંઠય સંગીત માણવા મળશે. તા.04 ના રોજ પં. તેજેન્દ્ર નારાયરન મજુમદારનું સરોદવાદન, તા.05 ના રોજ ચિરાગ કટ્ટીના વર્લ્ડ મ્યુઝિક ફ્યુઝન બેન્ડમાં સિતાર, તબલા, ડ્રમ્સ, કીબોર્ડ અને સેક્સોફોન જેવા વાજિંત્રોનો સંગમ જમાવટ કરશે. તા. 06 જાન્યુઆરીના રોજ ઉ. શાહિદ પરવેઝ ખાનનું સિતારવાદન અને શશાંક સુબ્રમણ્યમનું બાંસુરી વાદન માણવા મળશે. તા. 07 જાન્યુઆરીના રોજ ડો. અશ્વિની ભીડે દેશપાંડેનું શાસ્ત્રીય કંઠય સંગીત અને સપ્ત સંગીતીના અંતિમ દિવસે એટલે કે તા. 08 જાન્યુઆરીના રોજ પં. અજય ચક્રબર્તીના કંઠે શાસ્ત્રીય સંગીતના ઠુમરી અંગનો આસ્વાદ માણવાનો મોકો મળશે.
આ ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. કોન્સર્ટના પ્રથમ ચરણમાં આ વર્ષે ફકત આપણા શહેર કે રાજયના જ નહી પરંતુ અલગ-અલગ પ્રાંતના ઉભરતા યુવા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે. જેમાં તા. 02 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં યોજાતા સપ્તક સંગીત સમારોહના સ્થાપક અને સંચાલક કે જેનું તાજેતરમાં અવસાન થયેલ છે જે સપ્ત સંગીતિના માર્ગદર્શક પણ હતા તેવા સ્વ. વિદુષી મંજુબેન મહેતાને શ્રદ્ધાંસુમન અર્પણ કરવામાં આવશે. તા.03 ના રોજ નંદીની શંકર અને મહેશ રાઘવનનું વાયોલીન અને આઇપેડ ડ્યુઓ માણવા મળશે. તા.04 ના રોજ મનીષ વ્યાસ એન્ડ ટ્રુપ દ્વારા ફ્યુઝન મ્યુઝિક પેશ કરવામાં આવશે. તા. 06 જાન્યુઆરીના રોજ ડો. દુલારી માંકડ દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત અને તા. 07 ના રોજ વર્ણા જય સેવક દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત રજૂ કરવામાં આવશે. આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસીકો માટે સપ્ત સંગીતિની વેબસાઈટwww.saptasangeeti.org પર તા. 01 ડિસેમ્બર, 2024 ને સાંજે 5-00 કલાકથી નિ:શુલ્ક રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સઘળા આયોજનનો યશ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરોને તેમજ સ્વયં સેવકોની સમર્પિત ટીમને જાય છે. જેમા સર્વે ડિરેકટરો, પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઇ શેઠ, અરવિંદભાઇ પટેલ, દીપકભાઇ રીંડાણી, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા, અતુલભાઇ કાલરિયા, વિનેશકુમાર પટેલ અને મનિષભાઈ મદેકા સેવાઓ આપે છે.
