ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા અને જે તે સમયના ગુજરાતના ગૌરક્ષક સમિતિના ડિરેક્ટર ફરીદાબેન મીરને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં નિર્દોષ મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા ફરીદાબેન મીર વર્ષ 2013માં ગુજરાતના ગૌરક્ષક સમિતિના ડિરેક્ટર હતા તે દરમિયાન આઇસર ગૌવંશને કતલખાને લઈ જવાતા હોવાની બાકી મળતા લોકગાયિકા ફરીદાબેન મીર સહિતના ચાર વ્યક્તિએ ફરિયાદી મનોજભાઈ જીવરાજભાઈ પનારાને અટકાવી તેની પાસેથી દસ્તાવેજોની માંગણી કરી હતી.
જે દસ્તાવેજો ન બતાવતા લોક ગાયિકા ફરીદાબેન મીર સહિતના ચારેય વ્યક્તિઓએ મનોજભાઈ પનારાને માર મારી વાહનમાં નુકશાન કરી ધમકી આપ્યાની મનોજભાઈ પનારાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસમાં તપાસ અધિકારી દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા લોક ગાયિકા ફરીદાબેન મીરના વકીલ દ્વારા કુલ અલગ અલગ આઠ સાક્ષી, તમામ પંચ અને સાહેદોની ઉલટ તપાસ કરી હતી. જે તમામ તપાસ પૂર્ણ થઈ જતા લોકગાયિકા ફરીદાબેન મીરના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે લોકગાયિકા ફરીદાબેન મીરને નિર્દોષ ઠરાવી મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં લોકગાયિકા ફરિદાબેન મીર વતી એડવોકેટ પિયુષભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, ચિત્રાંક એસ. વ્યાસ, નેહા પી. રાવલ, રવિ આર. મુલીયા, કશ્યપભાઈ ઠાકર, ભાવીનભાઈ રૂૂઘાણી, બીનાબેન પટેલ, સાગર વાટલીયા, સચીન ગોસ્વામી, રાજુભાઈ ગોસ્વામી, કપીલ આર. મુલીયા અને રીનાબેન સરના રોકાયા હતા.