બે વર્ષ પહેલાં તારા દીકરાએ મારા પુત્રની હત્યા કરી હતી કહી હુમલો કર્યો
શહેરના નવી ઘાંચીવાડમાં ઘરમાં ઘૂસી ત્રણ શખ્સે ધમાલ મચાવી હતી. તારા દીકરાએ મારા પુત્રની હત્યા કરી હતી તેમ કહી પ્રૌઢને છરીના ઘા ઝીંકાયા હતા. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડાયા હતા.મળતી વિગતો મુજબ,નવી ઘાંચીવાડમાં રહેતા રવજીભાઇ બચુભાઇ મુછડિયા (ઉ.વ.52)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવા થોરાળામાં રહેતા જીવણ ઉર્ફે ગુલી મકા મકવાણા, તેનો ભાઇ શામજી ઉર્ફે શામો મકા તથા દિલીપ પ્રેમજી ચૌહાણના નામ આપ્યા હતા.
રવજીભાઇ મુછડિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15ની સાંજે તે પોતાના ઘરે એકલા હતા ત્યારે બાઇકમાં ઉપરોક્ત ત્રણ શખ્સ ઘરમાં ધસી આવ્યા હતા અને રવજીભાઇને ગાળો ભાંડવા લાગ્યા હતા.જીવણ ઉર્ફે ગુલીએ કહ્યું હતું કે, નબે વર્ષ પહેલાં મારા દીકરા સિદ્ધાર્થનું મર્ડર તારા દીકરાએ કર્યુ છે,થ જેની સામે રવજીભાઇએ જવાબ આપ્યો હતો કે, નતમારા દીકરાનું મર્ડર કરનારા તો જેલમાં છેથ આ સાંભળી જીવણ ઉર્ફે ગુલી ઉશ્કેરાયો હતો અને તેણે પેન્ટના નેફામાંથી છરી કાઢી રવજીભાઇને છરીના ઘા ઝીંકવા લાગ્યો હતો, જ્યારે અન્ય બે શખ્સે પણ મારકૂટ કરી હતી. રવજીભાઇએ દેકારો મચાવતા ત્રણેય હુમલાખોર નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા રવજીભાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાંથી રજા અપાતા પ્રૌઢે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ગુનો નોંધી ત્રણેય હુમલાખોરની શોધખોળ શરૂૂ કરી હતી.