રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાછલા અઠવાડિયે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટની આગાહીના ત્રણ દિવસમાં સૌથી વધુ ન્યુ રાજકોટમાં 9 ઇંચ પડ્યો છે. જ્યારે મોસમનો સૌથી ઓછો વરસાદ 15.86 ઇંચ શહેરની મધ્યમાં પડ્યો છે. સામાકાંઠે અત્યાર સુધીમાં 17.16 ઇંચ નોંધાયો છે. દરમિયાન શુક્રવારથી રવિવાર સુધી જે રીતે રેડ એલર્ટ હતુ એ મુજબ એવી ધારણા હતી કે, જળબંબાકાર જેવી વિકટ સ્થિતિ સર્જાય તેવો તોફાની વરસાદ વરસશે. સદનસીબે મેઘરાજાએ ખૂબ જ સંયમપૂર્વક કૃપા વરસાવી હતી.
આગાહીના ત્રણેય દિવસ દરમિયાન સમગ્ર શહેરમાં તૃટક તૃટક ધોરણે હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. હવામાન વિભાગની રેડ એલર્ટની ચેતવણી વચ્ચે શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણેય દિવસ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટાંનો માહોલ જળવાઈ રહ્યો હતો. આ 3 દિવસના કુલ વરસાદી આંકડા પર નજર કરીએ તો શહેરના ન્યૂ રાજકોટ ગણાતા વેસ્ટ ઝોનમાં મેઘરાજાએ સૌથી વધુ મહેરબાની બતાવી હતી. વેસ્ટ ઝોન વિસ્તારમાં સતત પડેલા તૃટક તૃટક ઝાપટાંઓને કારણે ત્રણ દિવસમાં કુલ 9 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સતત 3 દિવસ સુધી ચાલેલા વરસાદી માહોલ બાદ આજે સોમવારે સૂર્યનારાયણના આછેરા દર્શન થતાં શહેરમાં સરસ ઉઘાડ નીકળ્યો હતો. જો કે, દિવસ દરમિયાન આકાશ સંપૂર્ણ ચોખ્ખું રહેવાને બદલે ક્યારેક તડકો તો ક્યારેક આકાશમાં ધાબડછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
ગઇકાલે વેસ્ટ ઝોનમાં મેઘરજાએ રમી ટી-20, પોણા બે કલાકમાં સાડા ચાર ઇંચ
શહેરમાં ગઇકાલે બપોરે મેઘરાજાએ ટી-20ની જેમ તોફાની ઈનિંગ રમી હતી અને બપોરે પોણા બે કલાકમાં સાડા ચાર ઈંચ (117 મીમી) વરસાદ નોંધાઇ ગયો હતો. આ પછી પણ આખો દિવસ ધીમીધારે વરસાદ ચાલું રહ્યો હતો. આજ સોમવારે બપોર સુધીમાં સરેરાશ છ ઇંચ (140મીમી) વરસાદ નોંધાયો હતો. આવી જ રીતે સેન્ટ્રલ ઝોનમાં પણ વધુ એક ઇંચ અને ઇસ્ટઝોનમાં વધુ અડધો ઇંચ વરસાદ આજે સોમવાર સુધીમાં નોંધાયો છે. સેન્ટ્રલ ઝોનમાં મોસમનો કુલ 14 ઇંચ (397 મીમી), ઇસ્ટઝોનમાં 13 ઇંચ (કુલ 329 મીમી) અને વેસ્ટઝોનમાં 22 ઇંચ (કુલ 542 મીમી) વરસાદ નોંધાયો છે. રાજકોટમાં મોસમનો કુલ વરસાદ 16.64 ઇંચ થયો છે.
